Western Times News

Gujarati News

હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ માથાભારે ધમાએ પોલીસ પર જ હુમલાનો પ્રયાસ કર્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અને અત્યંત માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

જોકે, આ ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા, જેમાં આરોપીએ પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી તેને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો ચોક્કસ લોકેશન પર હાજર છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ચારેય તરફથી ઘેરીને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને પોતાની તરફ આવતી જોઈને આરોપી ધામાએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક પ્રતિકાર કર્યો હતો.

તેણે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને પગલે પોલીસ અને આરોપી વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને આત્મરક્ષણ માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી, જેમાં પિસ્તોલમાંથી છૂટેલી ગોળી આરોપીના પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતાં જ આરોપી નીચે ફસડાયો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈને કસ્ટડીમાં લીધો હતો.

ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હાસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ આરોપી નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સક્રિયપણે વોન્ટેડ હતો. આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમાનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે, જેમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૨૬ ગુનાઓ નોંધાયેલા છે.

જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, રમખાણો (રાયોટિંગ) તેમજ આર્મ્સ ઍક્ટ (હથિયાર ધારો) અને પ્રોહિબિશન ઍક્ટ(દારૂબંધી ધારો)ના ઉલ્લંઘન જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.