Western Times News

Gujarati News

યુગાન્ડાથી આવેલી મહિલામાં ઈબોલા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરન્ટાઈન કરાઈ

ભારતમાં ઇબોલા વાયરસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાયરસે ભારતમાં દસ્તક દીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના અત્યંત ગંભીર લક્ષણો જોવા મળ્યા છે.

સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.ઇબોલા વાયરસને તબીબી જગતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર ૫૦% થી લઈને ૯૦% સુધી પહોંચી શકે છે.

આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ , હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો ફેલ થઈ જાય છે.આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થાે જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. ચિંતાની વાત એ છે કે આ વાયરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી કે દવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે.

આ પૂર્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કારણે ૨૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ૧,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ માટે કડક સ્ક્રિનિંગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.