પૂણે અને પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીધા પછી 15 લોકોના મોત થતા ખળભળાટ
પ્રતિકાત્મક
આ ઝેરી અને સ્પિરિટયુક્ત દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિએ બનાવ્યો હતો. આ દારૂને પૂણે અને પિંપરી-ચિંચવડના અલગ અલગ વિસ્તારમાં વેચવામાં આવ્યો હતો.
પૂણે, મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂણે અને પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીધા પછી ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પિંપરી-ચિંચવડના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં આઠ લોકોના મોત થયા છે,
જ્યારે પુણેના કાલે પડળ વિસ્તારમાં ત્રણ અને હડપસર વિસ્તારમાં બે લોકોના મોત થયા છે. ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને પ્રભાવિત વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં આરોપી પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.
જાણકારી અનુસાર, આ ઝેરી અને સ્પિરિટયુક્ત દારૂ યોગેશ વાનખેડે નામના વ્યક્તિએ બનાવ્યો હતો. આ દારૂને પૂણે અને પિંપરી-ચિંચવડના અલગ અલગ વિસ્તારમાં વેચવામાં આવ્યો હતો. દાપોડી, ફુગેવાડી, હડપસર અને કાલે પડળ વિસ્તારમાં લોકોએ દારૂ પીધો હતો.
થોડા સમય પછી તેઓની તબિયત લથડી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેના થોડા સમય પછી તેઓનું મોત થઈ ગયું. તેઓને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. યોગેશ વાનખેડે ગેરકાયદે દારૂનું વેચાણ કરતો હતો. તેની સામે પહેલાથી જ ઘણાં કેસ દાખલ છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
ફુગેવાડી વિસ્તારમાં ગેરકાનૂની ભઠ્ઠી અને દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને ચર્ચા થઈ રહી છે કે આ મોત ઝેરી દારૂના કારણે જ થયા છે, પરંતુ દાપોડી પોલીસે તેને અફવા ગણાવી છે.
પ્રાથમિક તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ તમામ મોત અલગ અલગ કારણોસર થયા છે. પોલીસ અનુસાર, પાંડુરંગ ફુગેનું (૫૭) મોત પ્રાકૃતિક કારણથી થયું છે. વિજય રાઠોર (૩૧) અને રાજેન્દ્ર રાઠોર (૩૪) બંને સગા ભાઈઓનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. રાજેન્દ્ર રાજપૂતનું (૫૧) બાથરૂમમાં ચક્કર ખાઈને નીચે પડવાથી થયું છે. અકબર પઠાણ (૫૨) છેલ્લા ૧૫ વર્ષથી વધુ પડતું દારૂનું સેવન કરતો હતો.
