Western Times News

Gujarati News

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્‌સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો: પણ ફ્લાઈટના ભાડા ઘટશે નહિં?

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, વૈશ્વિક બજાર તરફથી એવિયેશન સેક્ટર માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ માટે ઉપયોગમાં લેવાતા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે ૨૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, દેશની અંદર ઉડાન ભરતી ઘરેલુ (ડોમેસ્ટિક) ફ્લાઇટ્‌સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જૂના ભાવે યથાવત રાખવામાં આવી છે.

ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મોટા ઘટાડાને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં પ્રતિ કિલોલિટર ૪૦૦ અમેરિકન ડોલરથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ હવે નવી કિંમત ઘટીને આશરે ૧,૧૦૦ અમેરિકન ડોલર પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે, જે ભારતીય ચલણમાં આશરે ૧,૦૫,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોલિટર જેટલી થાય છે.

અગાઉ વૈશ્વિક બજારમાં તેજીના કારણે ૧ મેના રોજ આ કિંમતો ૭૬.૫૫ ડોલર (૫.૩૩ ટકા) વધીને ૧,૫૧૧.૮૬ ડોલર પ્રતિ કિલોલિટર પર પહોંચી ગઈ હતી. જ્યારે તે પહેલા એપ્રિલ મહિનામાં પશ્ચિમ એશિયાના યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ઊર્જા સંકટને કારણે કિંમતો બમણાથી પણ વધુ વધીને ૧,૪૩૫.૩૧ ડોલર થઈ ગઈ હતી.

બીજી તરફ, ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ માટે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ ના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. એરલાઇન કંપનીઓએ ઘરેલુ સપ્લાય માટે હજુ પણ ૧,૦૪,૯૨૭.૧૮ રૂપિયા પ્રતિ કિલોલિટર ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. આ દર ૧ એપ્રિલથી લાગુ કરાયો હતો.

વાસ્તવમાં, મે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધ્યા હોવા છતાં સરકારી ફ્યુઅલ રિટેલ કંપનીઓએ મુસાફરો પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે કિંમતો વધારી ન હતી અને નુકસાન પોતે સહન કર્યું હતું.

હવે જ્યારે વૈશ્વિક સ્તરે કિંમતો નરમ પડી છે, ત્યારે તેનો સીધો લાભ વિદેશી ફ્લાઇટ્‌સને આપવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ સપ્લાય પર કંપનીઓ હજુ પણ નુકસાન ઉઠાવી રહી છે. ભારતમાં જેટ ફ્યુઅલની કિંમતોને બે દાયકા પહેલાં જ નિયંત્રણ-મુક્ત (ડિરેગ્યુલેટેડ) કરી દેવામાં આવી હતી,

જેથી એરલાઇન્સ સાથેના કરાર મુજબ કિંમતો આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબે નક્કી થાય છે. પરંતુ હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો.

આવી સ્થિતિમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ ની કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો ઝીંકવાની જરૂર હતી, પરંતુ સરકારે અને સરકારી ક્રૂડ કંપનીઓએ ખૂબ જ સંતુલિત અને ગંભીરતાપૂર્વક પગલું ભર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ માટે માર્કેટ લિંક્ડ રેટ રાખ્યા, પરંતુ દેશના સામાન્ય નાગરિકોને અસર ન થાય તે માટે ઘરેલુ ફ્લાઇટ્‌સની કિંમતોને નિયંત્રણમાં રાખીને મોટી રાહત આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.