Western Times News

Gujarati News

ગુજરાતના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટોઃ પોશીનામાં કરા પડયાઃ અમરેલીમાં વરસાદ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં સવારથી જ અસહ્ય બફારા અને ભારે ઉકળાટથી નાગરિકો પરેશાન જોવા મળ્યા. જેની વચ્ચે કેટલાક જિલ્લાના લોકોને બપોર પછી મોટી રાહત મળી છે. વાતાવરણમાં અચાનક પલટો સાબરકાંઠાના પોશીના પંથકમાં તો કરા સાથે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે અમરેલી અને વિજયનગર પંથકમાં પણ મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.

સાબરકાંઠા જિલ્લાના પોશીના અને તેની આસપાસના વિસ્તારોમાં બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્‌યો હતો. પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડ્‌યો છે. પોશીનાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી એટલી ઝડપે વહેવા લાગ્યા હતા કે માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

સાબરકાંઠાના જ વિજયનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારથી ભારે બફારા બાદ અચાનક મોસમ બદલાયું હતું. વિજયનગર ટાઉન સહિત ખોખરા, ટીંટારણ અને નાલશેરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક આવેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. બાબરા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બાબરાના ઘુઘરાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબકતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અચાનક આવેલા આ વરસાદી માહોલને પગલે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં એક વખત ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.

આગાહી અનુસાર વરસાદ સાથે પવનની ગતિ પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે વાતાવરણમાં સર્જાયેલા બદલાવ અને પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના પરિણામે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુ સહિત કુલ ૧૫ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.