Western Times News

Gujarati News

ગુજરાત ભાજપે આ વખતે રાજ્યસભા માટે બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને OBC સમાજમાંથી ઉમેદવારોની પસંદગી કરી

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા-ભાજપે આ વખતે એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી

અમદાવાદ, દેશ સહિત ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ વખતે એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ નથી આપી.

ચારેય પુરૂષ ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતારાયા છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલ કડી ભાજપના દિગ્ગજ કાર્યકર છે અને સુરેન્દ્રનગરના પ્રભારી છે.

જીતેન્દ્ર કંજારિયા દ્વારકા જિલ્લામાં ભાજપના મોટા કાર્યકર છે. તેઓ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય હોય છે. તેઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈના પુત્ર છે.

આ ઉપરાંત તેઓ દ્વારકા જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પણ રહ્યાં છે. માનસિંહ પરમારની વાત કરવામાં આવે તો તેઓ ગીર સોમનાથના વતની છે. હાલમાં તેઓ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સક્રિય છે. મુકેશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના મહામંત્રી છે.

ગુજરાત ભાજપે આ વખતે બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને ઓબીસી સમાજમાંથી ઉમેદવારોની પસંદગી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓને રાજ્યસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગત ટર્મમાં રમીલાબેન બારાને મહિલા ઉમેદવાર તરીકે તક અપાઈ હતી. પરંતુ આ વખતે ભાજપે એક પણ મહિલાને તક આપી નથી. ચારેય પુરૂષ ઉમેદવારોને આ વખતે ભાજપે તક આપી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની ચાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ આઠમી જૂન છે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન છે. ૧૮ જૂને સવારે ચૂંટણીનું મતદાન યોજાશે અને સાંજે મતગણતરી હાથ ધરાશે.

આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખસ્તા છે. વિધાનસભામાં ઓછા સભ્યો હોવાના કારણે ભાજપ ચારેય બેઠકો પર બિનહરિફ જીત મેળવી શકે છે. ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.