Western Times News

Gujarati News

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જોડિયા રાજયના અભિગમનો ભાદરવા સીઆરસી હેઠળની ૧૬ પ્રાથમિક શાળાઓમાં અમલ

વડોદરા:  દેશના વિવિધ રાજયો વચ્ચે સાંસ્કૃતિક એકતા કેળવાઇ, વિદ્યાર્થીઓમાં દેશના તમામ રાજયોની ઓળખ કેળવાઇ, ભાષા અને બોલીની વિવિધતાના પરિચય દ્વારા એક બીજા સાથેની સમીપતા વધે, ભાવનાત્મક બંધનોનું જોડાણ જાળવવા, વધારવા અને મજબૂત બનાવવા તેમજ એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના સાકાર થાય એવા ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી સરદાર જન્મજયંતિ તા.૩૧ ઓકટોબર-૨૦૧૫થી એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ટ્વીન સ્ટેટસ એટલે કે જોડીયા રાજયોનો પ્રયોગ અમલી બન્યો છે. તેના હેઠળ ગુજરાતના જોડિયા રાજય તરીકે છત્તીસગઢ સાથે જોડી બનાવવામાં આવી છે. તેના અમલ રૂપે ગુજરાતની શાળાઓમાં છત્તીસગઢની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને બોલી, પ્રણાલિકાઓ ઇત્યાદિની જાણકારીને જીવંત શિક્ષણના માધ્યમથી બાળકોને આપવાનું એક પહેલરૂપે જાન્યુઆરી-૨૦૨૦થી શરૂ કરવામાં આવ્યું છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી છે તે મુજબ રાજય સરકારે શિક્ષણ શાખાને આ પ્રવૃત્તિઓ કરવા સૂચનાઓ આપી છે, જે વર્ષ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ જોડીયા રાજય અભિગમ અંતર્ગત સાવલી તાલુકાના ભાદરવા સીઆરસી હેઠળની ૧૬ પ્રાથમિક શાળાઓમાં એક પહેલના રૂપમાં છત્તીસગઢની ઓળખ વિદ્યાર્થીઓને આપતી વિવિધ પ્રવૃત્તિઓ સંકલિત રીતે શરૂ કરવામાં આવી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાના આઠ તાલુકાઓની ૧,૦૭૬ પ્રાથમિક શાળાઓ અને જિલ્લાની ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સહિત ૪૭૬ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લેવામાં આવી છે.

આ પ્રવૃત્તિના ભાગ રૂપે ગૃપ આચાર્ય બાબુભાઇ ચૌધરી અને સીઆરસી સંકલનકાર મુકેશ શર્માના માર્ગદર્શન હેઠળ સોમ થી શનિવાર દરમિયાન વિશેષ તાસ હેઠળ છત્તીસગઢની ભાષા, સમાન કહેવતો અને તેનો ગુજરાતીમાં અનુવાદ, જોડિયા રાજય વિષયક સમાચારોનું વાંચન, છત્તીસગઢના પહેરવેશ, સંસ્કૃતિ અને વિરાસત વિષયક ક્વીઝ જેવા રસપ્રદ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ આ જોડિયા રાજયની ઓળખનો પ્રયોગ ગમ્યો છે. ભાદરવા સીઆરસીની આ પહેલા તાલુકાની અન્ય પ્રાથમિક શાળાઓ માટે માર્ગદર્શક બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીસીઇઆરટી-તાલીમ ભવન દ્વારા સહભાગી રાજય છત્તીસગઢની ભાષામાં સાહિત્ય તૈયાર કરી શાળાઓને આપવામાં આવ્યું છે. છત્તીસગઢ રાજયની સ્થાપના તા.૧ નવેમ્બરે થઇ હોય તેની ઉજવણી કરવામાં આવશે. બાળકોને છત્તીસગઢ રાજયની છત્તીસગઢી હિન્દી કે જે દેવનાગરી લિપીને મળતી આવે છે તેના શબ્દો, વાક્યો બોલાવી તે ભાષાનો પરિચય વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે.

પ્રાર્થના સભામાં સોમ થી શુક્રવાર દરમિયાન સહભાગી રાજય છત્તીસગઢની ભાષામાં સમાન કહેવતોની ઓળખ, ભાષાંતર અને પ્રસાર, મંગળવારે સહભાગી રાજય છત્તીસગઢની ભાષામાં સ્વચ્છતા, એક જ વાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા પર, પાણી બચાઓ, રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા, બુધવારે ચર્ચા-વિચારણા, સહભાગી રાજય છત્તીસગઢના સમાચાર, ગુરૂવારે સહભાગી રાજય છત્તીસગઢનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત્તિ, પર્યાવરણ, ભાષા, પહેરવેશ, સાંસ્કૃત્તિક વારસો સહિતની બાબતોને આવરી પ્રશ્નોત્તરી દ્વારા છત્તીસગઢ રાજય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. શુક્રવારે સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારકો, લેખકો, કવિઓ અને સહભાગી રાજયની હસ્તીઓ વિશે કવિતા અને વકતવ્ય યોજવામાં આવશે.

જોયફુલ સેટરડે અંતર્ગત શનિવારે વિશેષ કાર્યક્રમ યોજાશે. મહિનાના પ્રથમ શનિવારે સહભાગી રાજયની ભાષામાં છત્તીસગઢ રાજયને લગતા વિષયો પર આધારિત નિબંધ સ્પર્ધા, ચર્ચા, વકતૃત્વ સ્પર્ધા, મહિનાના બીજા શનિવારે છત્તીસગઢ રાજય પર વોલ મેગેઝીન-પ્રોજેકટ કાર્યની જૂથ પ્રવૃત્તિ, ત્રીજા શનિવારે સાંસ્કૃત્તિક સ્પર્ધા, છત્તીસગઢ રાજય પર લોકગીત, લોકનૃત્ય, કલા, ચિત્રકામ અને ચોથા શનિવારે રમતો-છત્તીસગઢ રાજયની લોકપ્રિય ઇન્ડોર-આઉટડોર રમતો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ તમામ પ્રવૃત્તિ માટે શાળામાં એક ભારત-શ્રેષ્ઠ ભારત EBSB કલબની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાળાના શિક્ષક અને વિદ્યાર્થી સહિતનાઓ જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.