‘૩ ઈડિયટ્સ ૨’માં રેન્ચો, ફરહાન અને રાજુ લગ્ન પછી પિતા બની ગયા હશે
સિક્વલમાં ૨૦ વર્ષ પછીની સ્ટોરી જોવા મળશે
૨૦૦૯માં રિલીઝ થયેલી ૩ ઇડિયટ્સ લેખક ચેતન ભગતની નવલકથા ફાઇવ પોઇન્ટ સમવન પરથી પ્રેરિત હતી
મુંબઈ, હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ૩ ઇડિયટ્સની સિક્વલને લઈને ચાહકોમાં લાંબા સમયથી ઉત્સુકતા હતી. હવે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સિક્વલ અંગે મહત્વની માહિતી આપતાં ખુલાસો કર્યાે છે કે વાર્તા ૨૦ વર્ષના ટાઈમ જમ્પ સાથે આગળ વધશે અને મૂળ ત્રણેય પાત્રો હવે લગ્નજીવન અને સંતાનો સાથે નવી જિંદગી જીવતાં જોવા મળશે.એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે ફિલ્મ હાલ લેખનના પ્રારંભિક તબક્કામાં છે.
તેમણે કહ્યું, “હાલ હું સ્ક્રિપ્ટના શરૂઆતના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યો છું. આ ખૂબ જ પ્રારંભિક તબક્કો છે. આમિર ખાને વાર્તા સાંભળી છે અને તેને પસંદ પણ આવી છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે. હું અને અભિજાત જોશી હાલમાં મુંબઈની બહાર રહીને સ્ક્રિપ્ટ લખી રહ્યા છીએ. આગામી બે મહિનામાં ફિલ્મની શરૂઆત અંગે વધુ સ્પષ્ટતા મળી શકે.”હિરાનીએ સ્પષ્ટ કર્યું કે સિક્વલમાં કોઈ નવા મુખ્ય પાત્રો ઉમેરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “આ બધા એ જ પાત્રો હશે. આ એક પ્રકારનો ટાઈમ લીપ છે.
૨૦ વર્ષ પછી આ લોકો શું કરી રહ્યા છે? હવે તેઓ કોલેજમાં નથી. તેઓ પોતાની કારકિર્દીમાં સ્થિર છે, લગ્ન કરી ચૂક્યા છે, બાળકો છે અને હવે તેમની જિંદગીમાં શું થાય છે તે આપણે જોઈશું.”૨૦૦૯માં રિલીઝ થયેલી ૩ ઇડિયટ્સ લેખક ચેતન ભગતની નવલકથા ફાઇવ પોઇન્ટ સમવન પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં આમિર ખાને રેન્ચો, આર માધવને ફરહાન અને શર્મન જોશીએ રાજુનું પાત્ર ભજવ્યું હતું. ઉપરાંત કરીના કપૂર ખાન, બોમન ઇરાની અને મોના સિંઘ પણ મહત્વના રોલમાં હતાં.
ફિલ્મે ભારતમાં જ નહીં પરંતુ ચાઇના સહિત અનેક દેશોમાં અસાધારણ સફળતા મેળવી હતી અને આજે પણ તેને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવે છે.જો બધું આયોજન મુજબ આગળ વધશે, તો આ સિક્વલ ફરી એકવાર રાજકુમાર હિરાની અને અભિજાત જોશી અને મૂળ સ્ટારકાસ્ટને એકસાથે લાવશે. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ૨૦ વર્ષ પછી રેન્ચો, ફરહાન અને રાજુની જિંદગીમાં શું બદલાયું છે.SS1
