બેંક મેનેજરની સતર્કતા અને પોલીસની કાર્યવાહીથી વૃદ્ધના રૂપિયા બચી ગયા
AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ઠગ દ્વારા નાગરિકોને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને લૂંટવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે એક કિસ્સામાં પોલીસ અને જાગૃત નાગરિકની સમયસૂચકતાથી મોટું નુકસાન થતું અટક્યું છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરીને એક સિનિયર સિટિઝનને લાખો રૂપિયા ગુમાવતા બચાવી લીધા છે. નકલી પોલીસ અને સીબીઆઈ અધિકારી બનીને ગઠિયાઓએ આ વૃદ્ધને એટલા ડરાવી દીધા હતા કે તેઓ નોકરીના સ્થળેથી અચાનક ગાયબ થઈને ઘરે પહોંચી ગયા હતા અને કલાકો સુધી ઓનલાઈન કેદમાં રહ્યા હતા.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ૨૦મી જૂનના રોજ થઈ હતી, જ્યારે થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કામ કરતા આ સિનિયર કર્મચારીને સવારે વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ફોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે આપીને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ નરેશ ગોયલ-જેટ એરવેઝ જેવા મોટા આર્થિક કૌભાંડમાં થયો છે.
ત્યારબાદ, કોલ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનું નાટક કરી, બનાવટી બેંક ખાતા, નકલી કોર્ટ નોટિસ અને વોરંટ મોકલીને તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા. ગઠિયાઓએ તેમને કડક સૂચના આપી હતી કે જો તેઓ કોઈને જાણ કરશે કે ફોન કાપશે તો તેમને તાત્કાલિક જેલ ભેગા કરી દેવામાં આવશે.સતત અપાતી ધમકીઓ અને નકલી દસ્તાવેજોના ડરથી ગભરાયેલા વૃદ્ધ ઓફિસમાં કોઈને કશું કહ્યા વિના સીધા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા.
જોકે, કંપનીના મેનેજર વિશાલ દરજીને આ અણધારી વર્તણૂક અત્યંત શંકાસ્પદ લાગી હતી. જ્યારે તેમણે વૃદ્ધનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેમણે ગભરાતા અવાજે કહ્યું કે તેમના પર સીબીઆઈની નજર છે અને કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આટલું સાંભળતા જ મેનેજર સમજી ગયા કે તેમના કર્મચારી ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે, જેથી તેમણે જરાય સમય બગાડ્યા વિના સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર કોલ કરી પોલીસ કંટ્રોલ રૂમને સતર્ક કર્યા હતા.
ફરિયાદ મળતાની સાથે જ નવરંગપુરા પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ ગણતરીની મિનિટોમાં વૃદ્ધના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધ ભયભીત અવસ્થામાં મોબાઈલ સામે બેઠા હતા અને વીડિયો કોલમાં દેખાતો ભેજાબાજ પોતાને સીબીઆઈ ડિરેક્ટર ગણાવીને સતત ધમકાવી રહ્યો હતો.
સાચા પોલીસ અધિકારીઓએ તરત જ પોતાની ઓળખ આપી સ્ક્રીન પર દેખાતા નકલી અધિકારીને પડકાર્યો હતો. પોલીસે વૃદ્ધને હૈયાધારણ આપી સમજાવ્યું કે ભારતીય કાયદામાં ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ જોગવાઈ જ નથી, ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
