અયોધ્યાના દાનના ચોરી કેસમાં ૮ આરોપીઓના ઘર પર દરોડા
ટિન્નુના ઘરેથી દાગીના અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
પોલીસની અલગ-અલગ ટીમોએ રામશંકર મિશ્રા, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા અને મનીષ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા
લખનૌ,અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરના દાન અને ચઢાવાની વ્યાપક સ્તરના ચોરી કેસમાં પોલીસે રવિવારે ટિન્નુ યાદવ સહિત તમામ આઠ આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટિન્નુના ઘરેથી કેટલાક આભૂષણો અને કાગળો મળી આવ્યા છે. આ ઉપરાંત, કેટલીક રોકડ રકમ અને મિલકતના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓના પરિવારજનોના નિવેદનો પણ નોંધ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન જપ્ત કરાયેલા મુદ્દામાલનું આકલન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આરોપીઓને પોલીસ રિમાન્ડમાં લેવા કે નહીં. આ પહેલા, રવિવારે સવારે પોલીસ ટીમ લેખપાલને સાથે રાખીને ટિન્નુ યાદવના ઘરે પહોંચી હતી. તેમણે પરિવારના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ ઘરમાં તપાસ હાથ ધરી હતી. તેવી જ રીતે, પોલીસની અલગ-અલગ ટીમોએ રામશંકર મિશ્રા, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા અને મનીષ યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહી અંગે તપાસ અધિકારી આશુતોષ તિવારીએ જણાવ્યું હતું કે, “તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. જે પણ આરોપીઓ આ ચોરી કેસમાં સંડોવાયેલા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરોડા અંગેની કાર્યવાહી પછી સામાન્ય લોકોનું કહેવું છે કે ગુનેગારોને સખત સજા મળવી જોઈએ. ચઢાવાની રકમમાં હેરાફેરી કરીને આ લોકોએ ભગવાન સાથે છળ કર્યું છે. હજારો-કરોડો રામભક્તો સાથે પણ દગો થયો છે. આ ઘટના અત્યંત શરમજનક છે અને આવા કૃત્ય માટે ક્યારેય માફી ન આપી શકાય.SS1
