Western Times News

Gujarati News

લદાખમાં પ્રતિબંધિત ઓફ રોડિંગ માટે પ્રથમ વખત ચાર પ્રવાસી વાહનને દંડ

લદાખમાં પ્રવાસીઓ આવકાર્ય છે, પરંતુ તેમણે જવાબદાર રહેવું પડશેઃ લેફ્ટનન્ટ ગવર્નર

ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન હરણાની પાછળ વાહન દોડાવ્યું હતું

શ્રીનગર,કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં પ્રથમ વખત તંત્ર દ્વારા મનસ્વી રીતે વાહન ચલાવવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. પેન્ગોન્ગ લેક વિસ્તારમાં ગેરકાયદે ઓફ રોડિંગ તથા ચાંગથાંગના અભયારણ્યમાં હરણા પાછળ વાહન દોડાવનારા પ્રવાસી વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં પ્રત્યેક વાહન પાસેથી રૂ.૫૦,૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે. ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન હરણાની પાછળ વાહન દોડાવ્યું હતું.

વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટના ભંગ બદલ ચાર વાહનો પર રૂ.બે લાખનો દંડ લાગુ કરી વધુ તપાસ બાદ તમામ વાહન જપ્ત કરવામાં આવ્યા છે. એક્ટના ભંગની ઘટના ચાર અલગ-અલગ સ્થળે નોંધાઈ હતી. લેહ વાઈલ્ડલાઈફ ડિવિઝનમાં મેરાક અને લુકુંગ સ્થળે પેન્ગોન્ગ લેકના કિનારે આવેલા છે અને તેને ઈકોલોજિકલી સેન્સિટિવ જાહેર કરાયા હતા. હાનલેમાં નુરબુ લા અને સુમુરમાં નુરબા વેલી પણ ઈકો સેન્સિટિવ સ્થળ છે. લદાખ સરકારના પ્રવક્તાના જણાવ્યા મુજબ, લદાખમાં ગેરકાયદે ઓફ રોડિંગનો ત્રાસ વધી રહ્યો હોવાથી આકરા પગલાં લેવાયા છે.

ઈકોલોજિકલ સેન્સિટિવ તળાવો અને લદાખમાં નદીના વહેણમાં પ્રવાસીઓએ કાર હંકારી હતી. પર્યાવરણ અને વન્યસૃષ્ટિ માટે હાનિકારક વાહનો ચલાવનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે લદાખના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આદેશ આપ્યા હતા. જેના પગલે પ્રથમ વખત ગુનો કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી આકરો દંડ વસૂલવામાં આવ્યો છે. વાહનના માલિકો હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશના છે.

તેમણે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પોતાની કાર પેન્ગોન્ગ લેક તથા ચાંગથાંગ અને નુબરામાં સંરક્ષિત વિસ્તારમાં બેફામ રીતે ચલાવી હતી. વન વિભાગના અધિકારીઓએ રૂટિન પેટ્રોલિંગ દરમિયાન તથા સોશિયલ મીડિયા સર્વેલન્સ દરમિયાન આવી સંખ્યાબંધ ઘટનાઓ જોઈ હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ કહ્યું હતું કે, લદાખમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવકાર્ય છે, પરંતુ તેમણે જવાબદાર અને પર્યાવરણ માટે સભાન રહેવું પડશે. સંરક્ષિત વન્ય વિસ્તારોમાં ખલેલ પહોંચે તેવી પ્રવૃત્તિ વાહન માલિકોએ કરવી જોઈએ નહીં. પ્રતિબંધિત વિસ્તારમાં ઓફ રોડિંગ કરનારા વાહન માલિકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.