હવે ‘પ્રોપર્ટીકાર્ડ’ જ આખરી દસ્તાવેજ ગણાશે
હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા મેપિંગ કરવામાં આવશે
બિનખેતી જમીનોના ગામ નમૂના નંબર-૭ બંધ થશે
ગાંધીનગર,ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૭ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી- NA થયેલી જમીનોના વર્ષાે જૂના ‘ગામ નમૂના નં.-૭’ (૭/૧૨ ના ઉતારા) તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અદ્યતન અને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોના ડબલ રેકર્ડના કારણે ઉભા થતા વિવાદોનો કાયમી અંત લાવવાનો છે.
અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે ગ્રામ્ય કક્ષાએ ૭/૧૨ નો ઉતારો અને સિટી સર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ બંને રેકર્ડ ચાલુ રહેતા હતા. જેના કારણે ક્ષતિઓ અને વિવાદો સર્જાતા હતા. હવે આ પ્રથા બંધ થશે. મહેસૂલ વિભાગના આદેશ અનુસાર, હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા મેપિંગ કરવામાં આવશે. જૂના થઈ ગયેલા કે ક્ષતિવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમૂના નં.-૭ બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેથી કોઈ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય.આ પરિપત્રમાં ૩૭ પાનાની લાંબી માર્ગદર્શિકા સાથે તમામ જિલ્લા કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
જે મુજબ, ગામ નમૂના નં.-૭ બંધ કરતા પહેલાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલી વિગતો, ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ ચકાસણી કરવામાં આવશે. મેપિંગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપર્ટીકાર્ડ બન્યું નથી ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે. ડિજિટલ અપડેટના સંદર્ભમાં કહેવાયું છે કે, તમામ ડેટાને ઓનલાઈન પોર્ટલ પર અદ્યતન રાખવામાં આવશે, જેથી નાગરિકો સરળતાથી પોતાની મિલકતના ડિજિટલ રેકર્ડ મેળવી શકે. મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વિગત બાકી ન રહી જાય તેની ખાસ કાળજી લેવા માટે વહીવટી તંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટના અમલીકરણ માટે જિલ્લાવાર ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી શકે છે.SS1
