ટોક્સિકની ‘તબાહી’માં યશ-કિયારા અડવાણીની કેમિસ્ટ્રી વખણાઈ
કેટલાક દર્શકોએ ગીત જોઈને ફિલ્મની વાર્તા પર ઉઠાવ્યા સવાલ
ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મોટાભાગનાં દર્શકોએ યશ અને કિયારાની સ્ક્રીન કેમિસ્ટ્રીનાં વખાણ કર્યાં
મુંબઈ,પેન-ઈન્ડિયા સ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિકઃ અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’નું પહેલું ગીત ‘તબાહી’ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. યશ અને કિયારા અડવાણી પર ફિલ્માવવામાં આવેલા આ રોમેન્ટિક ગીતમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને ઇન્ટિમેટ પળોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, ગીતનાં જ્યાં એક તરફ વખાણ થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ કેટલાક દર્શકોએ ફિલ્મની વાર્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.વિશાલ મિશ્રાએ ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું ‘તબાહી’ ગીત યશ અને કિયારાના પાત્રો વચ્ચેના ગાઢ પ્રેમ અને એકબીજા પ્રત્યેના આકર્ષણને દર્શાવે છે.
ગીતની શરૂઆતમાં યશ ચર્ચની બહાર કિયારાને પોતાની બાહોમાં ઉઠાવતો જોવા મળે છે. ત્યારબાદ સર્કસ, કાર, દરિયાકિનારો અને કાર્નિવલ જેવા વિવિધ લોકેશન પર બંને વચ્ચેના રોમેન્ટિક દૃશ્યો રજુ કરવામાં આવ્યાં છે. ગીતના અંતે બંને ફેરિસ વ્હીલ પર જોવા મળે છે, જ્યારે કાર્નિવલમાં આગ લાગ્યાનાં દૃશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. ગીતમાં યશનું ટ્રાન્સફોર્મેશન અને સિક્સ-પેક લૂક પણ ચર્ચામાં છે.ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મોટાભાગનાં દર્શકોએ યશ અને કિયારાની સ્ક્રીન કેમિસ્ટ્રીનાં વખાણ કર્યાં છે. કેટલાક યુઝર્સે લખ્યું કે આ ગીતમાં દર્શાવાયેલો રોમાન્સ માત્ર આકર્ષણ પુરતો નથી, પરંતુ તેમાં લાગણીઓ પણ સ્પષ્ટ દેખાય છે. અન્ય કેટલાકે કિયારાનાં લૂક અને બંનેની જોડીને ફિલ્મની સૌથી મોટી ખાસિયત ગણાવી છે.
અનેક લોકોએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યાે કે ગીત બોલ્ડ હોવા છતાં અશ્લીલ લાગતું નથી.બીજી તરફ, કેટલાક દર્શકોને ગીતમાં વારંવાર દર્શાવવામાં આવેલા રોમેન્ટિક અને ઇન્ટિમેટ દૃશ્યો પસંદ આવ્યા નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સવાલ કર્યાે કે ફિલ્મનાં અત્યાર સુધી જાહેર થયેલા પ્રચારમાં માત્ર રોમાન્સ અને શારીરિક આકર્ષણ પર જ ભાર મુકવામાં આવ્યો છે, જ્યારે ફિલ્મની મુખ્ય ગીત સાથે ફિલ્મ અંગેની ઉત્સુકતા પણ વધી છે. ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મની વાર્તા યશે પોતે ગીતુ મોહનદાસ સાથે મળીને લખી છે. ફિલ્મમાં યશ અને કિયારા અડવાણી ઉપરાંત નયનતારા, હુમા કુરેશી, રુક્મિણી વસંત અને તારા સુતારિયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.SS1
