આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવેલ નવી 139 એસ.ટી. બસોને પૂજા કર્યા બાદ ફ્લેગ-ઑફ કરાયું
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંગળવારે ગાંધીનગર સ્થિત નવા સચિવાલય સંકુલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ય મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના
સંયુક્ત ઉપક્રમે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત કુલ ₹33.84 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવેલ નવી 139 એસ.ટી. બસોને શાસ્ત્રોકત રીતે પૂજા કર્યા બાદ ફ્લેગ-ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને તેમના વસવાટના સ્થળેથી દૂર આવેલા શાળા-કોલેજમાં અભ્યાસ માટે અવર-જવરની સરળ, સમયસર અને સુરક્ષિત પરિવહન સુવિધા સુનિશ્ચિત કરવાની નેમ સાથે સેવામાં મુકાયેલી આ નવીન બસોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન હેઠળ આ તમામ બસોને GPS પદ્ધતિથી મોનિટરિંગ અને રોજેરોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી અપડેટ પણ મળતું રહેશે તેમજ શાળા-કોલેજ સમય બાદ આ બસોની સુવિધા રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ મળી શકશે.
આ વિશેષ પરિવહન સુવિધા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે તથા શાળા કોલેજોમાં નિયમિત હાજરીમાં વધારો અને શાળા છોડવાના દરમાં પણ ઘટાડો થશે.
