Western Times News

Gujarati News

ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ૨૪ કલાકના વિરામ બાદ સોમવાર, તા. ૨૭ જુલાઈની વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં ગોધરા શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદી માહોલ જામ્યો હતો.

વહેલી સવારથી શરૂ થયેલા સતત વરસાદને કારણે રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી હતી. નોકરી-ધંધા અને અન્ય કામકાજ માટે નીકળેલા લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો બન્યો હતો.

ગોધરા શહેર ઉપરાંત પોપટપુરા, વાવડી, મહેલોલ, નદીસર, કાંકણપુર, રેણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

આ વરસાદ ખેડૂતો માટે સૌથી વધુ રાહતરૂપ સાબિત થયો છે. વાવણી પૂર્ણ થયા બાદ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ મેઘમહેર આશીર્વાદ સમાન બની છે. ડાંગર, મકાઈ, કપાસ સહિતના ખરીફ પાકને વરસાદથી પૂરતો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેતરોમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને સારા પાકની આશા વધુ મજબૂત બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.