સિડનીથી ઈમેઈલ કરીને પોલીસને ફરિયાદ કરીઃ અમરેલી સાયબર ક્રાઈમે 11 લાખ પાછા અપાવ્યા
સોનાની ખરીદીના નામે થયેલી ૧૧ લાખની ઠગાઈના કેસમાં NRI વ્યક્તિને મળ્યો ન્યાય-અમરેલી સાયબર ક્રાઈમે સિડનીમાં બેઠેલા NRI ફરિયાદીને સંપૂર્ણ રકમ પરત અપાવી
રાજકોટ, સોનાની ખરીદીના નામે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક એનઆરઆઈ સાથે થયેલી રૂ.૧૧ લાખની છેતરપિંડીનો અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો છે. ફરિયાદીએ વિદેશમાં બેઠા માત્ર એક ઈ-મેઈલ મારફતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી.
મૂળ નવી દિલ્હીના રહેવાસી અને હાલ સિડનીમાં રહેતા સૌરભ જોલીએ એપ્રિલ ર૦ર૬માં સોનું ખરીદવા માટે અમરેલીના એક વ્યક્તિને રૂ.૧૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે, રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને સોનું આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને ઈ-મેઈલ કરીને ફરિયાદ કરી હતી.
ફરિયાદ મળતા જ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટીમે સંબંધિત બેન્ક સાથે સંકલન કરી નાણાં મેળવનાર વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. પોલીસની સમજાવટ અને કાર્યવાહી બાદ આખરે રૂ.૧૧ લાખની સંપૂર્ણ રકમ ફરિયાદીને પરત કરવામાં આવી હતી.
અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેકટર કમલેશ ખટાણાએ જણાવ્યું હતું કે, ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરિયાદીને સતત તપાસ અંગે માહિતગાર રાખવામાં આવ્યા હતા.
સૌરભ જોલીએ અમરેલી પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમને કયારેય એવું લાગ્યું નહીં કે તેઓ તપાસથી અલગ છે. પોલીસના ઝડપી પ્રતિસાદ, સતત સંપર્ક અને વ્યવસ્થિત કામગીરીથી તેમનો ગુજરાત પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છ.
