Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં ગાયક કલાકારના ઘરમાંથી રૂ.૧૫ લાખની ચોરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીને લૂંટની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે જ્યારે પોલીસતંત્ર તસ્કરોને ઝડપી લેવા માટે નાઈટ પેટ્રોલીંગના દાવા કરી રહ્યું છે. તેમ છતાં શહેરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યાં છે. શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતાં એક ગાયક કલાકારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને ઘરમાંથી રૂ.૧૫ લાખ રોકડાની ચોરી કરી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. મકાન વેચી નાંખ્યુ હોવાથી તેના આવેલાં રૂપિયા કલાકારે ઘરની તિજારીમાં મુક્યા હતા અને તિજારીમાંથી કોઈ આ રકમની ચોરી કરી ગયું હતું. જેથી પોલીસે હવે પરિચિતોની પણ પૂછપરછ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટની વધતી જતી ઘટનાઓનાં પગલે નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પરંતુ તસ્કર ટોળકીઓને પકડવામાં પોલીસતંત્રને સફળતા મળતી નથી. બીજી બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  જાળવી રાખવા માટે શહેરમાં પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાત્રી દરમ્યાન વાહન ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેરનાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૧૫ લાખની ચોરીની ઘટના નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ઘાટલોડિયા કે.કે.નગર ચાર રસ્તા પાસે સર્વાેદય સોસાયટી વિભાગ-૩ની સામે આવેલાં શિલ્પવિલા એપાર્ટમેન્ટમાં ધનરાજ રતનસિંહ ગઢવી નામનાં ગાયક કલાકાર રહે છે. અને તેમનો પુત્ર પરિવાર સાથે નરોડા ખાતે અલગ રહે છે. આ ફ્લેટમાં તેઓ એકલાં જ રહેતાં હતાં. જાકે છેલ્લાં કેટલાંક દિવસોથી તેમણે આ મકાન વેચવા કાઢ્યું હતું. જેનાં પરિણામે મકાન ખરીદવા માટે કેટલાંક લોકો આવ્યાં હતાં.

ધનરાજ ગઢવીની મકાન વેચવાની જાહેરાતથી શહેરનાં રાયપુર વિસ્તારમાં રહેતાં મુકેશ કામાણી નામની વ્યક્તિ મકાન જાવા ગઈ હતી અને ધનરાજભાઈ ગઢવી સાથે વાતચીત કર્યા બાદ રૂ.૩૭ લાખમાં સોદો નક્કી થયો હતો. મકાનનો સોદો નક્કી થઈ જતાં મુકેશભાઈએ રૂ.૧૫ લાખ જેટલી રકમ ધનરાજભાઈને આપી હતી. મકાનનાં વેચાણની રકમ ધનરાજભાઈએ પોતાની તિજારીમાં મુકી હતી.

થોડાં દિવસ પહેલાં તેમણે તિજારી ચેક કરી ત્યારે આ રકમ થેલીમાં પેક કરીને મૂકેલી જાવા મળી હતી. પરંતુ ચાર દિવસ પહેલાં તિજારી ખોલતાં તેમાંથી રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની  થેલી ગાયબ થયેલી જાવા મળી હતી. જેના પરિણામે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઘાટલોડિયા પોલીસનું ધ્યાન દોર્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં. ચોરી ક્યારે થઈ તે જાણી શકાયું નથી. અને તિજારીમાંથી રકમ ચોરી થવાની ઘટનાથી પોલીસ અધિકારીઓએ ધનરાજભાઈની પૂછપરછ કરી ઘરમાં આવનાર તમામ વ્યક્તિઓની વિગતો એક્ત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.