Western Times News

Gujarati News

કપડવંજ નગર સેવા સદનનું સને. ૨૦૨૦ – ૨૧ નું સામાન્ય અંદાજપત્ર મંજુર

કપડવંજ નગર સેવા સદનનું સને. ૨૦૨૦ – ૨૧ નું સામાન્ય અંદાજપત્ર તા. ૧૬/૦૩/૨૦૨૦ ના રોજ પાલિકાના સભા ખંડમાં પ્રમુખ પંકજ એમ પટેલ (બાપુ) ના અધ્યક્ષપદે મળેલી નગર સેવા સદન બોર્ડની સભામાં રજૂ કરવામાં આવ્યું હતું કે જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું અંદાજપત્ર માં વોટર વર્કસ ડ્રેનેજ શાળાઓ અને જાહેર બાંધકામ ખાતાના કેપીટલ વર્કસ પેટા બજેટ સહિત બાબતો રજૂ કરી રૂ. ૯,૬૬,૭૪૩/- ની પુરાંત સાથે નું અંદાજપત્ર ઉપસ્થિત સદસ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતું

નગર સેવા સદન ના પ્રમુખના જણાવ્યા અનુસાર કપડવંજ નગર સેવા સદનની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન પ્રગતિના પંથે આગળ વધી રહી છે અને સને ૨૦૨૦ – ૨૧ ના વર્ષ દરમ્યાન રૂ. ૨૪,૯૪,૦૦,૦૦૦/- ના કેપિટલ કામોનું સરકારશ્રીની મળેલ ગ્રાન્ટ તથા મેળવવાનું બજેટ પ્રોવિઝન કરવામાં આવ્યું છે મનોરંજન કરની ગ્રાન્ટ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના કામો (નંદા કેનાલ આધારીત) કે જેમાં નર્મદાની મુખ્ય નહેર થી કપડવંજ શહેર સુધી વધારાની પાણીની પાઇપ લાઈન નું કામ મંજુર કરવામાં આવ્યું હતું સરકારશ્રીની ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત સને ૨૦૧૭ – ૧૮ થી ૨૦૨૦ – ૨૧ સુધીના રૂ.૮,૦૦,૦૦,૦૦૦/- ના કામો પણ મંજુર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પરફોર્મન્સ ગ્રાન્ટ તથા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડાકોર ચોકડી વસ્તા તળાવ ડેવલપમેન્ટનું બાકીનું કામ પણ આ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જનભાગીદારી યોજના ગ્રાન્ટ અંતર્ગત વિવિધ સોસાયટી વિસ્તારના આર. સી.સી. રોડ તથા પાણીની લાઇનના કામો મંજુર કરવામાં આવ્યા હતા ઉપરોક્ત સભામાં ચીફ ઓફિસર બી.એન.મોડ ઉપ પ્રમુખ ઈમ્તિયાઝ શેખ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દક્ષેશ કંસારા તેમજ પક્ષના દંડક અને પુર્વ પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પડ્યું હતું બજેટ બોર્ડમાં નગર સેવા સદનમાં નિવૃત્ત થતા કર્મચારીઓને ગ્રેજ્યુઇટી રજાનો પગાર તથા પેન્શન ચૂકવવા બાબતે પણ સંમતિ સધાઈ હતી

આ ઉપરાંત હાલ સરકારી ખરાબોવાળી જમીન નગર પાલિકા હસ્તક ફાળવવા બાબતે યોગ્ય રકમ ભરવા સંમતિ આપવામાં આવી હતી અને તેથી હવે હિન્દુ ધર્મની આસ્થા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ માટે સેવા સંઘ સંચાલિત અમરધામ વિકાસ યોજના ને વેગ મળશે તેને સર્વાનુમતે અનુમોદન આપવામાં આવ્યું હતું અમરધામ વિકાસના સ્થળે આર.સી.સી. રોડ લાઈટ તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળી શકશે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં આવેલા સોનીપુરા ગામ માં જર્જરીત અને બિન ઉપયોગી પીવાના પાણીની ટાંકી ઉતારી લેવાનું તેમજ ટાઉન પ્લાનિંગ કમિટીની રચના કરવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું શેઠ એમ.પી. મ્યુનિસિપલ હાઇસ્કૂલ તથા રેલવે સ્ટેશન પાસે નગર પાલિકાની જગ્યામાં બે નવી આંગણવાળીઓ શરૂ કરવા સંબંધિત સત્તાવાળાઓને જગ્યાઓ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું કપડવંજ શહેરના પ્રજાજનોની વર્ષો જૂની દરરોજ પાણી પુરવઠો આપવાની માંગણી સંદર્ભે રૂ. ૩,૫૧,૦૦,૦૦૦/- ના ખર્ચે યોજના મંજુર કરતા શહેરીજનોને રોજ પાણી પુરવઠો આગામી વર્ષથી મળશે તેની જાહેરાત ચીફ ઓફિસર બી.એન.મોડ સભાગૃહમાં કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.