Western Times News

Gujarati News

સુરતથી સિદ્ધપુર આવેલા સાત શખ્સો વિરૂદ્ધ લોકડાઉનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ

લોકડાઉનના સમયમાં પરવાનગી વગર જિલ્લામાં અનધિકૃત પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે-જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ
…………………………
જાગૃત ગ્રામજનો બહારથી આવેલા લોકો અંગે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા નગરપાલિકાના કંટ્રોલરૂમ નંબરો પર આપી શકશે માહિતી

(માહિતી બ્યુરો, પાટણ), લોકડાઉનના સમયમાં કોઈપણ અધિકૃત અધિકારીશ્રીની પરવાનગી વગર કોરોનાગ્રસ્ત વિસ્તાર સુરતથી પાટણ જિલ્લામાં પ્રવેશેલા સાત શખ્સો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તા.૧૫ એપ્રિલ બાદ જિલ્લામાં અનધિકૃત રીતે પ્રવેશનાર તથા જાહેરનામાનો ભંગ કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં અમલી લોકડાઉનના સુચારૂ અમલ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ અધિકૃત અધિકારીશ્રીની પરવાનગી વગર જિલ્લાની સરહદ ઓળંગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરી સુરતના વિવિધ વિસ્તારોમાંથી સિદ્ધપુર તાલુકામાં પ્રવેશેલા સાત શખ્સો વિરૂદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લામાં પ્રવેશ બાદ કોઈપણ જાતનું હેલ્થ ચેક-અપ ન કરાવી ચેપ ફેલાવાની શક્યતાઓ સાથે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાની બેદરકારી દાખવનાર સુરતથી આવેલા સિદ્ધપુરના ૦૧ તથા બિલિયા ગામના ૦૬ લોકો સામે સી.આર.પી.સી.ની કલમ-૧૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલએ જણાવ્યું કે, અત્રે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ પૂર્વ મંજૂરી સિવાય જિલ્લાની બહારના કોઈ પણ ઈસમોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે માટે જિલ્લાની તમામ સરહદો પર રાઉન્ડ ધ ક્લોક નિગરાની સુનિશ્વિત કરવામાં આવી છે ત્યારે તા.૧૫ એપ્રિલ પછી જિલ્લામાં આવેલા આવા તમામ અનધિકૃત વ્યક્તિઓ સામે સુઓમોટો કાર્યવાહી કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાટણ જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનાર તથા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તા.૧૫ એપ્રિલ પછી પ્રવેશેલા તમામ અનધિકૃત લોકો સામે એપેડેમિક એક્ટ-૧૮૯૭ તથા જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ જરૂરી કાર્યવાહી કરવા તથા આવા ઈસમોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સંકલનમાં રહી ગવર્નમેન્ટ ક્વોરન્ટાઈન સેન્ટર ખાતે રાખવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ પ્રાંત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી છે.

વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કોઈપણ અનધિકૃત ઈસમો જિલ્લામાં પ્રવેશ ન કરે તે માટે સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ પણ જો કાર્યવાહીમાં ચૂક જણાશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની જોગવાઈઓ મુજબ સબંધિત સામે જરૂરી પગલા લેવામાં આવશે.

બહારથી આવેલા લોકોએ કોરોના વાયરસના ચેપની શક્યતાઓને ધ્યાને લઈ જવાબદારીપૂર્વક તંત્રને તથા આરોગ્ય વિભાગને જાણ કરવાની રહેશે તથા તેમને સરકારી ક્વોરન્ટાઈન સેન્ટર ખાતે ૧૪ દિવસ રહેવું ફરજીયાત છે. ઉપરાંત ગ્રામજનોએ આવા અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશને અટકાવવા જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. તેમ છતાં જો ખાનગી રીતે બહારથી લોકો આવેલા હોય તો હેલ્પલાઈન નંબર ૧૦૭૭ અથવા કોરોના વાયરસ અંતર્ગત જિલ્લામાં ખાસ શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમ પર ફોન કરી જાગૃત નાગરીક તરીકે જાણ કરવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.