Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહીમ મોહમ્મદ સોહીલ વચ્ચે આજે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો. બંને નેતાએ પોતાના દેશમાં કોવિડ-19ના ચેપ અને તેની વર્તમાન સ્થિતિ અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા. સાર્ક દેશો વચ્ચે સંમતિ સાધવામાં આવેલી સંકલન પદ્ધતિઓનું સક્રીયતાપૂર્વક અમલીકરણ થઇ રહ્યું છે તે અંગે બંનેએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

અગાઉ માલદીવ્સમાં ભારતીય તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને ભારતે કેટલીક આવશ્યક દવાઓનો જથ્થો પણ ભેટમાં આપ્યો હતો તેના કારણે માલદીવ્સ ટાપુ પર કોરોનાના ચેપનો ફેલાવો નિયંત્રણમાં રાખવામાં મદદ મળી છે તે સાંભળીને પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.

માલદીવ્સ જેવું પર્યટન પર નિર્ભર અર્થતંત્ર આ મહામારીના કારણે જે વિશેષ પડકારોનો સામનો કરી રહ્યું છે તેની કદર કરતા પ્રધાનમંત્રીએ માલદીવ્સના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે આરોગ્ય અને અર્થતંત્ર પર થતી અસરો ઓછી કરવામાં ભારત તરફથી તેમને સતત યોગદાન આપવામાં આવશે. બંને નેતાઓ એ વાત પર સંમત થયા હતા કે, વર્તમાન આરોગ્ય કટોકટીના કારણે ઉભા થતા પ્રશ્નો બાબતે અને દ્વીપક્ષીય સહકાર માટે તેમના અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.