Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ કોરોનાથી વધુ પ્રભાવિત વડોદરાના જનપ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સ્થિતીનો તાગ મેળવ્યો

કોરોના અસરગ્રસ્ત શહેરો-જિલ્લાઓના ધારાસભ્યો-સાંસદો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી માર્ગદર્શન કરવાનો-ફિડબેક મેળવવાનો મુખ્યમંત્રીશ્રીનો નવતર ઉપક્રમ

નિયમોનું ચુસ્તપાલન થાય-આરોગ્ય સેતુ એપનો વ્યાપક ઉપયોગ થાય- રોગપ્રતિકારક શકિત વધારતા આયામો અપનાવાય તે માટે  પ્રજાના પ્રતિનિધિઓ પાયાના સ્તર સુધી ચેઇન ઊભી કરે:- શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસથી વધુ પ્રભાવિત મહાનગરો-જિલ્લાઓના જનપ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને તેમનું માર્ગદર્શન કરવા સાથે સ્થાનિક સ્તરે કોઇ સમસ્યા-પ્રશ્નો હોય તો તેના ફિડબેક મેળવવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ કડીમાં રવિવારે બપોરે વડોદરા મહાનગર અને જિલ્લાના ધારાસભ્યો સાંસદશ્રી સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની આ કપરી વેળાએ જનપ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સ, ઓડિયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ જેવા ટેકનોલોજીયુકત માધ્યમોના વિનિયોગથી પ્રજાજનોની સતત પડખે રહે અને મદદરૂપ થાય તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. તેમણે આ સંદર્ભમાં ધારાસભ્યો-સાંસદશ્રીને કહ્યું કે, આરોગ્ય પરિક્ષણ, જરૂરતમંદોને મદદ સહાય, નિયમોના ચુસ્તપાલન અને રોગપ્રતિકારક શકિત વધારવાના આયામોની આખી ચેઇન પોતપોતાના વિસ્તારમાં પાયાના સ્તર સુધી ઊભી થાય તે આવશ્યક છે.

વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદશ્રીએ વિસ્તારો-કોલોની-સોસાયટીઝ સેનિટાઇઝ કરવાની કામગીરી તેમજ BPL, APL-1 અને પરપ્રાંતિય પરિવારો-લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણની રાજ્ય સરકારની પહેલની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સૌ જનપ્રતિનિધિઓને આરોગ્ય સેતુ એપનો વ્યાપ વધુ લોકો સુધી પહોચે, સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળા વગેરેના પ્રસાર માટે સૂચન કરવા સાથે જ તેમના પોતાના અને પરિવારજનોના આરોગ્ય સંભાળ માટે ચિંતા કરવા પણ અનુરોધ કર્યો હતો.

આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રત્રિવેદી, રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ સુખડીયા, કેતનભાઇ ઇનામદાર, શૈલેષભાઇ, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષાબહેન વકીલ અને સીમાબહેન મોહિલે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.