Western Times News

Gujarati News

શ્રમિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર દિનરાત કાર્યરત

શ્રમિકોની નોંધણી- બીજા રાજ્યની પરવાનગી- ટ્રેન ફાળવણી- શ્રમિકોનો સંપર્ક-હેલ્થ ચેકઅપ- ભોજન પ્રબંધ જેવા અનેક તબક્કાવાળી ‘મેગા એક્સરસાઇઝ’

ફોનની બેટરી ખૂટી રહી છે પણ કર્મીઓની ઉર્જા નહીં….

વિરગામ અને સાબરમતીથી કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના ૪૩,૫૧૭ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

(અહેવાલ:ઉમંગ બારોટ) અમદાવાદ જીલ્લામાં શ્રમિકોની વતન વાપસી માટે સંવેદનાસભર અભિગમથી કામગીરી ચાલી રહી છે. શહેરી વિસ્તારમાંથી ટ્રેન થકી ૨૧,૮૫૪ શ્રમિક તથા ગ્રામ્ય વિસ્તારના ૨૧,૬૬૩ શ્રમિકોને ટ્રેન થકી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના કુલ ૪૩,૫૧૭ શ્રમિકોને તેઓના વતન ભણી મોકલવામાં આવ્યા છે.

શ્રમિકોની વતન વાપસી સંલગ્ન કામગીરી જિલ્લા અને તાલુકા કક્ષાએ સતત ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ શ્રમિકોને તેઓના વતન પહોંચાડવામાં આવશે.  શ્રમીકોને વતન વાપસીની આ ‘મેગા એક્સરસાઇઝ’ વિષે જિલ્લા કલેક્ટર શ્રી કે.કે નિરાલા જણાવે છે કે, સૌ પ્રથમ જે-તે તાલુકામાં શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ શ્રમિકોની સંપૂર્ણ વિગત સાથેની રાજ્યવાર યાદી તૈયાર કરવામાં આવે છે.

શ્રમિક યાદી તૈયાર થયા બાદ જે-તે રાજ્ય પાસેથી દરેક શ્રમિકોના નામ સાથેની પરવાનગી મેળવવામાં આવે છે. સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મળ્યા બાદ તમામ શ્રમિકોનો સંપર્ક સાધવામાં આવે છે અને તેઓને વતન વાપસી અંગેની આગળની કાર્યવાહી જણાવવામાં આવે છે. શ્રમીકોને નિયત સ્થાને બોલાવી તેઓનું આરોગ્ય તપાસ (હેલ્થ ચેકઅપ) કરવામાં આવે છે. રાજ્યવાર દરેક શ્રમિકોને ટ્રેનની ફાળવણી કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન અને ટ્રેનમાં બેસાડતી વખતે પણ શ્રમિકોના ભોજન નાસ્તાની આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવે છે.

કલેકટરશ્રીએ જિલ્લામાં વસતા શ્રમિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચના અનુસાર સમય જતાં તમામ શ્રમિકોને તેઓના વતન પહોંચાડવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જ્યાં સુધી શ્રમિકોનો સંપર્ક કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ પોતાના નિવાસસ્થાન છોડી બહાર ન આવે. શ્રમિકોની વતન વાપસી માટે હેલ્પલાઇન નંબર 1800-233-9008, 079 26440626, ડિજિટલ પ્લેટફોર્મ અને નિયત ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યો છે.

કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું છે કે જે શ્રમિકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે તેઓ ધીરજ રાખે વહીવટી તંત્ર દ્વારા ટ્રેન નક્કી થયે શ્રમિકો નો સંપર્ક કરવામાં આવશે. શ્રમિકો રજીસ્ટ્રેશન માટે પણ ઉતાવળ ન કરે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમને અનુસરીને જિલ્લાના તમામ શ્રમિકોને સુરક્ષિત તેઓના વતન પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાએ અને અન્ય રાજ્ય સાથેની સંકલનની કામગીરીમાં 150થી વધુ કર્મચારીઓ/અધિકારીઓ દિનરાત કાર્યરત છે. સંકલનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારી-અધિકારીઓના ફોન સતત રણકતા રહે છે. મોબાઇલ ફોનની બેટરી ક્યારેક ખૂટી જાય છે પરંતુ કર્મચારીઓની ઉર્જા યથાવત છે. ટ્વિટર, ટેલિફોન અને ઇ-મેઇલ થકી પણ શ્રમિકોની વતન વાપસી અંગે તમામ પૂછપરછનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.

શ્રમિકોના વતન વાપસીની આ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ કહે છે કે, લોકડાઉનની પરિસ્થિતિને કારણે વતન ભણી પ્રયાણ કરી રહેલા શ્રમિકોની ઝડપી અને અસરકારક મદદ કરવી એ અમારું પ્રથમ કર્તવ્ય છે. ટ્રેનમાં બેસેલા શ્રમિકોના ચહેરા પર જે સ્મિત અને સંતોષ જોવા મળે છે તે જ અમને સતત ઉર્જા બક્ષે છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.