Western Times News

Gujarati News

 કોરોના વાયરસ સંક્રમણ સમયે પણ સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે સતત કાર્યરત વાલ્વમેન

માહિતી મદદનીશ, પાટણ રણની કાંધીએ વસેલા અને છેવાડાના પાટણ જિલ્લામાં ઉનાળામાં પ્રમાણમાં આકરી ગરમી હોય છે અને આવી ગરમીમાં જો સમયસર પીવાનું પાણી ન મળે તો…  કોરોના મહામારીના આ સમયમાં પણ એવા લોકો સતત કાર્યરત છે કે જેઓની નિયમિત કામગીરીથી જનસામાન્ય સુધી શુદ્ધ પીવાનું પાણી સમયસર મળી રહી છે. વાત કરીએ એવા અનસંગ હિરોઝ ‘વાટર વોરિયર્સ’ની જેઓ બળબળતા બપોરે પણ કામ કરી પીવાનું પાણી પહોંચાડે છે.

લોકડાઉનના દિવસોમાં જ્યારે ઘરની બહાર નિકળવાની છુટ નહોતી ત્યારે પણ શહેરના રસ્તાઓ પર ફરી રહેલા આ કોરોના વોરિયર્સ એટલે વાલ્વમેન. જળ વિતરણ વ્યવસ્થા અંતર્ગત તમામ નાગરીકોને સમયસર પાણી મળી રહે તે માટે નિયત સ્થળોએ પાણીની પાઈપલાઈનમાં લગાવેલા વાલ્વ ખોલવા અને બંધ કરવાની કામગીરી કરતા આ વાલ્વમેન કોરોના વાયરસની મહામારી સમયે પણ સતત કાર્યરત રહ્યા. પાટણ નગરપાલિકામાં રોજમદાર વાલ્વમેન તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મકવાણા જણાવે છે કે, હું છેલ્લા ૨૫ વર્ષથી આ કામ કરૂ છું,

નિયમિત અને સમયસર પાણી પહોંચાડવું એ અમારી જવાબદારી છે. વધારાની એકપણ દિવસ રજા રાખ્યા વગર કોરોના વાયરસ મહામારીના સમયમાં પણ હું ફરજ નથી ચુક્યો. હા, વાયરસ સામે રક્ષણ માટે માસ્ક જરૂરી છે અને હું તે પહેરીને જ કામ કરૂં છું.

પાટણના શહેરીજનોને દિવસમાં બે વાર પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે કોઈપણ નાગરીકને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે મહેન્દ્રભાઈ સવારના ૦૪.૩૦ વાગ્યાથી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધી અને ફરી બપોરના ૦૧.૪૫ વાગ્યાથી રાત્રીના ૦૮.૩૦ કલાક સુધી ફરજ બજાવે છે. આ સમય દરમ્યાન નિયત સમયે નિયત સોસાયટીઓને પાણી મળી રહે તે માટે વિવિધ સ્થળોએ ફરી નાની લાગતી પણ મહત્વની કામગીરી કરે છે. આ તો વાત થઈ મહેન્દ્રભાઈની, પણ તેમના જેવા કેટલાય લોકો કોરોના વાયરસ મહામારીના સમયમાં પણ ઉનાળાની ગરમીની પરવા કર્યા વગર નિયમીત તેમની ફરજ બજાવી રહ્યા છે. અતિ આવશ્યક સેવા ગણાતી તેમની આ કામગીરીમાં જરાક વિલંબ થાય અથવા કોઈ કારણોસર ન થઈ શકે તો શું થાય એ વિચારવું જ રહ્યું. સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.