Western Times News

Gujarati News

ક્રૂડ ઓઇલની પાઈપલાઈનથી ૧૩.૪૦ લાખના ક્રૂડની ચોરી

જેતલપુર પાસે ઇન્ડિયન ઓઇલની પાઈપલાઈનમાં ભંગાણ પાડી ૧૩.૪૦ લાખનું ક્રૂડ ઓઇલ ચોરી કર્યું હોવાની ઘટના
અમદાવાદ,  નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જેતલપુર પાસે ઇન્ડિયન ઓઇલની પાઈપ લાઈનમાં ભંગાણ પાડી ૧૩.૪૦ લાખનું ક્રૂડ ઓઇલ ચોરી કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઓપરેશન અને મેઇન્ટેનન્સ મેનેજરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૌભાંડ ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જીવરાજપાર્કમાં આવેલા સાગર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેકભાઈ મોજીલાલ કુમાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. આઈ.ઓ.સી વેસ્ટર્ન રિજીયન પાઇપલાઇન ડિવિઝન નવાગામ ખાતે આવેલી છે. વિવેકભાઈ સિનિયર ઓપરેશન એન્ડ મેઇન્ટેઇનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. વિરમગામથી બરોડા રિફાઇનરીમાં જતી ક્રૂડ ઓઇલની મેઈન પાઇપ લાઈન સાણંદથી સંજયા ગામ સુધી ચેક કરવાની તેમની કામગીરી હોય છે.

કોઈ પાઈપલાઈનમાં ભંગાણ કરીને ઓઇલ ચોરી ન કરે તે માટે તેઓ તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરતા હોય છે. ગત જાન્યુઆરી માસમાં તેઓને બરોડાથી જાણ કરવામાં આવી હતી કે, પાઇપલાઇનનું પ્રેશર રોજીંદુ હોય છે એટલું નથી આવતું અને પ્રેશર ઓછું થઈ ગયું છે. જેથી ટીમ દ્વારા આ રૂટ પર બે વાર તપાસ કરવામાં આવી હતી. પણ કઈ શંકાસ્પદ જણાયું ન હતું. પણ ચોરીની શંકા જતા જ તેઓએ ડાયરેકટ કરન્ટ વોલ્ટેજ ગ્રેડીયન (ડી.સી.વી.જી.)ની ચકાસણી મળ્યા બાદ પ્રાઇવેટ થેફ્‌ટ કંપનીને કામ સોંપ્યું હતું. આ કંપનીએ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા તપાસ કરાવી સાણંદથી બારેજા સુધી તપાસ કરી હતી.

ત્યારે ખેડા બરોડા હાઇવે પર જેતલપુર ગામ નજીક આવેલી શક્તિ કન્સ્ટ્રકશન રોડ એન્ડ બિલ્ડર્સની જમીનમાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું. આગળ તપાસ કરાવતા આ ફોલ્ટ પર ૨૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને દૂર સુધી પાઇપલાઇન કાઢી તેમાંથી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અહીંની ટીમ દ્વારા બરોડા તપાસ કરાવતા ૧૩.૪૦ લાખનું ૬૭ હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોરી થયાનું સામે આવ્યું હતું.

આ તમામ તપાસના પુરાવા સાથે વિવેકભાઈએ આ અંગે નારોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે. પોલીસે ધ પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઈપલાઇન્સ એક્યુસીશન રાઈટ યુઝર ઇનલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોરી કરનાર તત્વોને શોધી કાઢવા માટે પોલીસ સક્રિય થઇ ગઈ છે. નોરોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પૂર્વે પણ અનેક વખત પાઇપલાઈનથી ક્રૂડ ઓઇલની ચોરીની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.