Western Times News

Gujarati News

ગુજરાત ચેમ્બરની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ

૧૧ જુલાઈએ મતદાન, ૧૨ જુલાઈએ રિઝલ્ટ જાહેર થશે
અમદાવાદ,  વેપારીઓના પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ મજબૂત રીતે થાય તેના માટે રચાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો મૂળ હેતુ વર્તમાન સમયમાં ભુલાઈ ગયો છે. તેમ છતાં ચેમ્બરના હોદ્દેદાર હોવું એક પ્રતિષ્ઠાની વાત હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી ચેમ્બરની ચૂંટણી હાઈફાઈ અને ખર્ચાળ બની રહી છે. ત્યારે જ આગામી વર્ષના હોદ્દેદારો માટે યોજાનારી ચેમ્બરની ચૂંટણીની પ્રક્રિયા મંગળવાર ૯ મી જૂનથી શરૂ થઈ છે.

૯ મી જૂનથી ઉમેદવારી માટેના ફોર્મ ચેમ્બરની ઓફિસથી મળવાના શરૂ થયા છે. જો કોરોના નડશે નહીં અને ઉમેદવારો લડવા માટે મક્કમ રહેશે તો ૧૧મી જુલાઈએ હોદ્દેદારો માટેનું મતદાન થશે અને ૧૨મી જુલાઈએ પરિણામ જાહેર થશે. ગુજરાત ચેમ્બરની ચૂંટણી માટે જે સભ્યોને ઉમેદવારી કરવી હોય તેમના માટે મંગળવારથી ઉમેદવારી ફોર્મ ચેમ્બરની ઓફીસ પરથી ૯મી જૂન થી ૧૬મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ મળશે જ્યારે ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તારીખ ૧૬મી જૂન સાંજે ચાર વાગ્યા સુધી છે.

ત્યારબાદ ફોર્મ ચકાસણી, વાંધા અરજી રજૂ કરવી, ફોર્મ પરત ખેંચવા માટેની મુદત અને અન્ય પ્રક્રિયાઓ બાદ ૧૧મી જુલાઈના રોજ મતદાન થશે અને ૧૨મી જુલાઈના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. ચેમ્બર દ્વારા જેવી ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારથી મોટા ઉદ્યોગપતિઓ દ્વારા પોતાના માણસો સેટ કરવા માટેની ગોઠવણ શરૂ થઈ ગઈ છે. જોકે એકમાત્ર સભ્ય જયેન્દ્ર તન્નાએ પોતે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે ચૂંટણી લડવાના હોવાની જાહેરાત કરી ચેમ્બરના સભ્યોને સહકાર માટેનો એક મેસેજ પણ કરવાની શરૂઆત કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.