Western Times News

Gujarati News

ભાજપ ૫૦૦ વર્ચ્યુઅલ સભા અને રેલી કરી દેશમાં નવો વિક્રમ સર્જશે

પ્રતિકાત્મક

વર્ચ્યુઅલ સંપર્કની સાથે સાથે પ્રદેશ ભાજપે આગામી સપ્તાહમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નેતાઓની ચાર ઝોનમાં ચાર વર્ચ્યુઅલ રેલીનું આયોજન કર્યું છે
ગાંધીનગર,  કોરોના મહામારીને પગલે ભારતીય જનતા પાર્ટીએ આવનારા દિવસોમાં આવતી ચૂંટણીઓના પ્રચારમાં પરિવર્તન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય સ્તરે તેમજ પ્રદેશ એકમ દ્વારા તારીખ ૪ થી ૨૮ જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવાનો પ્રારંભ કર્યો છે.

વર્ચ્યુઅલ સંપર્કની સાથોસાથ પ્રદેશ ભાજપે આગામી સપ્તાહમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓની ચાર ઝોનમાં ચાર વર્ચ્યુઅલ રેલીનું પણ આયોજન કર્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે ભારત સહિત તમામ દેશો આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ભારત અને ગુજરાતની જનતાએ પણ આ વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે. નિયમો સાથે લોકડાઉન ખુલતાની સાથે હવે આવનારા દિવસોમાં આવતી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર માટે કમર કસી લીધી છે.

દેશમાં ચૂંટણીના પરિણામો જે રીતે ભારતીય જનતા પાર્ટી એ અગ્રેસર રહે છે તે જ રીતે હાઈટેક ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી હમેશા અગ્રેસર રહી છે. તે જ કારણોસર, લોકડાઉનના સમયે અને બાદના સમયે પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રીથી લઈ સંત્રી સુધી તમામ લોકોએ વર્ચ્યુઅલ સંપર્ક કરી પ્રજાના અનેક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. હવે જ્યારે લોકડાઉન નિયમો સાથે ખુલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમા આવતી ચૂંટણીઓ માટેના ચૂંટણી પ્રચાર માટે કમર કસી લીધી છે.

કોરોના મહામારીના પગલે આવનારા ઘણા મહિનાઓ સુધી મોટી જાહેર સભા કે રેલી કરવી અશક્ય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વર્ચ્યુઅલ રેલી અને જાહેર સભા કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુનિટ દ્વારા પણ આ વર્ચ્યુઅલ પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તારીખ ૪ થી ૨૮ જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવામાં આવશે.

જે અંતર્ગત ૪ થી ૮ જૂન દરમ્યાન ભાજપા પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ચાર ઝોનમાં ચાર વર્ચ્યુઅલ પ્રેસવાર્તા કરવામાં આવી છે. તો ગુજરાત ભાજપા નવા ઉમેરાયેલા ૪૭ લાખ જેટલા સદસ્યોના બુથ દીઠ વોટ્‌સએપ ગ્રુપ બનાવી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની પ્રજાલક્ષી કામગીરી અને પ્રજાના હિતની વાતો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ૧૧ થી ૩૦ જૂન દરમિયાન પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી (સભાઓ) યોજવામાં આવશે. જેમાં ૧૧ મી જૂનના રોજ સૌરાષ્ટ્ર, ૧૪ જૂનના રોજ દક્ષિણ ઝોન અને ૧૭ જૂનના રોજ મધ્ય ઝોનમાં સોશિયલ અને ત્યાર બાદ ઉત્તર ઝોનમાં સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર આ રેલીઓ (સભાઓ) આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત તારીખ ૭ થી ૨૮ જૂન દરમિયાન જિલ્લા- મહાનગર ખાતે જુદા-જુદા મોરચાઓ, સાંસદ સભ્ય, ધારાસભ્યો દ્વારા વિડીયો કોન્ફરન્સ સંમેલન યોજવામાં આવશે. તો ૭ થી ૧૪ જૂન દરમિયાન યુવા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, તારીખ ૧૫ થી ૨૧ જૂન દરમિયાન બક્ષીપંચ અને મહિલા મોરચા તથા તમામ ધારાસભ્યો દ્વારા તથા તારીખ ૨૨ થી ૨૮ જૂન દરમિયાન અનુસૂચિત જનજાતિ મોરચો, કિશાન મોરચા અને તમામ સાંસદઓ દ્વારા આ વીડિયો કોન્ફરન્સનું આયોજન વર્ચ્યૂઅલ રીતે સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવી રહ્યું છે.

આમ કુલ મળીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુનિટે આગામી એક મહિનામાં ૫૦૦ જેટલી વર્ચ્યુઅલ બેઠક, સભા અને રેલીનું આયોજન કયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય અધ્યક્ષથી લઈ કેન્દ્રય મંત્રીઓએ ગુજરાતની જનતાને સંબોધશે. એક જ મહિનામાં ૫૦૦ જેટલી વર્ચ્યુઅલ બેઠક, સભા અને રેલી કરી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું યુનિટ વિક્રમ સર્જવા જઈ રહ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ડિજીટલ પ્રચારની શરૂઆત જ ગુજરાતથી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૩ડી સભાઓનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી દ્વારા મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાં ૩ડી સભાઓ કરી લોકોને પોતાની સાથે જાેડવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી પ્રચાર ઉપરાંત નરેન્દ્ર મોદી દ્વારા વહીવટી પારદર્શિતા અને કુશળ વહીવટ કરવા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોટા પ્રમાણમાં વીડિયો કોન્ફરન્સ કરી જિલ્લા વહીવટી તંત્રને ગાંધીનગર સાથે જીવંત સંપર્કમાં રાખતા હતા. તો રોજની જુદી જુદી સરકારી યોજનાઓના લાભર્થીઓને જુદા જુદા જિલ્લામાં એક જ સમયે સહાય વિત્રણ કરી વિડીયો કોન્ફરન્સના ટુ વે કમ્યુનિકેશનથી લોકોના પ્રશ્નોને વાચા આપતા હતા. તે જ પદ્ધતિથી હાલ દેશમાં કામ થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.