Western Times News

Gujarati News

જાણીતા બાળકોના ડોક્ટરનું પોતાના જન્મદિવસે જ કોરોનાથી મોત

સુરત: ગઈકાલે ૧ જુલાઈ ડોક્ટર્સ ડેના દિવસે જ ભરુચના જાણીતા બાળકોનો ડોક્ટર મયંક પિત્તલિયાએ ૬૨ વર્ષની ઉંમરે કોરોનાનો ભોગ બનીને વડોદરાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જાગાનુંજાગ આ દિવસે ડો. પિત્તલિયાનો જન્મ દિવસ પણ હતો.

ડો. મયંક પિત્તલિયા ભરુચના પંચ ભાટી વિસ્તારમાં ૧૯૮૩થી પોતાની બાળકોની હોસ્પિટલ ચલાવતા હતા. ૧૦ જૂનના દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામા આવ્યા. જાકે થોડા દિવસ સુધી સારવાર બાદ પણ ઠીક થવાની જગ્યાએ ડો. પિત્તલિયા શ્વાસ લેવામાં વધુ તકલીફની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમને વડોદરા શિફ્‌ટ કરવામાં આવ્યા હતા.

તેઓ વડોદરાની ટ્રાઈકલર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે ગત ૧૬ જૂનના દિવસે અફવા ઉડી હતી કે ડો. પિત્તલિયા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે આ અફવાનું ખંડન કરતા ડો. પિત્તલિયાએ પોતે હોસ્પિટલમાંથી એક વીડિયો ઉતારીને મોકલ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જલ્દીથી રિકવર થઈ રહ્યા છે અને થોડાક જ સમયમાં સ્વસ્થ થઈને ભરુચ પરત ફરશે. જ્યારે ૧૯ જૂને તેમના પત્ની મીરા પણ પોઝિટિવ મળી આવ્યા હતા.

તેમને પણ ડો. પિત્તલિયા જે હોસ્પિટલમાં છે ત્યાં દાખલ કરવામા આવ્યા છે જેઓ હાલ ઓક્સિજન સિલિન્ડર પર સારવાર લઈ રહ્યા છે. તેમનો દીકરો રિદ્ધેશ પિત્તલિયા ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહે છે. મહત્વનું છે કે ડો. પિત્તલિયા દરવર્ષે પોતાનો જન્મદિવસ અને ડોક્ટર્સ ડે ભરુચમાં પોતાના દર્દીઓ અને ડોક્ટર્સ મિત્રોની સાથે મળીને ઉજવતા હતા.

વડોદરામાં આવેલ ટ્રાઈકલર હોસ્પિટલના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ડો. પિત્તલિયા ડાયાબિટિઝ અને હાયપરટેન્શન પણ ધરાવતા હતા તેમજ કોરોનાન કારણે તેમની કિડની પર પણ ખરાબ અસર પડી હતી. જેના કારણે બપોરે ૧૨.૩૦ વાગ્યે તેમનું અવસાન થયું હતું. ડો. પિત્તલિયા પોઝિટિવ મળી આવ્યા બાદ છેલ્લા થોડ દિવસોમાં તેમના સંપર્કમાં આવનાર ૮૭ જેટલા વ્યક્તિઓનું ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.