Western Times News

Gujarati News

પ્રેમી સાથે લગ્ન કર્યા હવે પહેલા પતિને ડિવોર્સ આપવા ધમકી

પરણિત મહિલાએ પહેલા પતિથી છૂટાછેડા લીધા વિના પ્રેમી સાથે બીજા લગ્ન કર્યા હતાઃ પોલીસની વધુ તપાસ
અમદાવાદ,  શહેરમાં‘એક બીવી દો પતિ’નો ગજબ કિસ્સો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રકાશમાં આવ્યો છે. પરણિત મહિલાએ પહેલા પતિથી છૂટાછેડા લીધા વિના પ્રેમી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. બીજા લગ્ન બાદ પત્નીએ પોતાના પ્રથમ પતિ અને તેના માતા-પિતા વિરુદ્ધ રાજસ્થાનમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી.

હવે પ્રથમ પતિને છૂટાછેડા આપવા માટે મહિલા અને તેનો બીજાે પતિ ધાક ધમકી આપી રહ્યા છે. પત્નીથી તંગ આવી ગયેલા પતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બુધવારે ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવા નરોડામાં આર.પી.વસાણી સ્કુલ પાસે શ્યામ કુટીર બગલોમાં રહેતાં યોગેશભાઈ આશિષભાઈ ચંદેલએ પોતાની પત્ની જુલી, તેનો બીજાે પતિ ચેતન બોરાણા, સાસુ સુશીલાબેન અને સસરા ધર્મેશભાઈ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જુલી સાથે સ્ટીલ ટ્રેડિંગના વેપારી યોગેશભાઇના લગ્ન થયા હતા.

જાેકે જુલીને લગ્ન બાદ નવા વાડજ ખાતે રહેતા ચેતન દિનેશ બોરાણા સાથે પ્રેમ થઈ ગયો હતો. જુલીએ પહેલાં પતિ યોગેશથી છૂટાછેડા લીધા વગર ગત તા. ૩૦-૧૨-૨૦૧૯ના રોજ અસારવા ખાતે ચેતન જાેડે લગ્ન કરીને રજીસ્ટર પણ કરાવ્યા હતા. જે બાદ જુલીએ પહેલાં પતિ યોગેશ અને તેના માતા પિતા વિરુદ્ધ ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ રાજસ્થાનમાં શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી.

યોગેશને આ બાબતે જાણ થતાં તેણે હાઇકોર્ટમાં કવોશિંગ પીટીશન કરી હતી. હાઇકોર્ટ સમક્ષ યોગેશે પત્નીના બીજા લગ્ન અંગેના પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આ આધાર પર ફરિયાદ પર સ્ટે આપ્યો હતો. તે અગાઉ પત્ની જુલી અવાર-નવાર યોગેશને ફોન કરી અપશબ્દો બોલી છૂટાછેડા આપી દેવા દબાણ કરતી હતી. યોગેશને ચેતન અને જુલી બંને ધાક્ધમકી આપી દબાણ કરતા તેમજ જાનથી મારવાની ધમકીઓ આપતા હતાં.

આ બાબતે યોગેશ એ સાસુ-સસરાને વાત કરતા તે બંને પણ દીકરી જુલીનો પક્ષ લઈ છૂટાછેડા આપવા દબાણ કરતા અને ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા હતા. આથી યોગેશે જુલી, તેના બીજા પતિ ચેતન અને સાસુ સસરા વિરુદ્ધ દીકરીને ખોટી રીતે સાથ આપવા મામલે ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.