Western Times News

Gujarati News

મનપાઓને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી રકમની ફાળવણી કરાઈ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર પણ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ચિંતિત છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યાં છે. જે અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી રકમની ફાળવણી કરવામાં આવી છે. કોરોના સામે જંગ જીતવા માટે રાજ્ય સરકારે તિજાેરી ખોલી દીધી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૨૪૪ કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને ૫૦ કરોડ રૂપિયા, સુરત મનપાને ૧૫ કરોડ રૂપિયા, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને ૧૦-૧૦ કરોડ રૂપિયા, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને ૫-૫ કરોડ રૂપિયા કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કોરોના ભંડોળની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઈન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઊભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ ૮૦ ટકા કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે ગયા છે. જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હોસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી ફાળવણી કરી છે. અમદાવાદ મહાનગરમાં ૧ કરોડ રૂપિયાના ખર્ચે ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને આશરે ૨૫૦ દર્દીઓને આ ઈન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે.

ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા પણ ૫૫૦ ટોસીલીમીઝૂમેબ ઈન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે, જેમાંથી ૪૫૦ દર્દીઓને ઈન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં ૧૧૦ જેટલા ધનવંતરી રથના માધ્યમથી ૬ લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઈ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે ૧૧.૪૬ કરોડ રૂપિયા તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે ૪ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પીપીઈ કીટ માટે ૧૩.૮૯ લાખ, ધનવંતરી રથ અન્વયે ૩૩.૭૫ લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ ૧૫ લાખથી વધુની રકમ ફાળવી છે.

વડોદરા મહાનગરપાલિકાએ મુખ્ય મંત્રી રાહતનિધિમાંથી મળેલી રકમમાંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેના મેડિકલ ઈક્વિમેન્ટ ખરીદી માટે ૧.૭૨ કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી જે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.  આરોગ્ય વિભાગે રાજ્યમાં દૂર સૂદુરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે ૧૧.૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આરોગ્ય સેવાના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ વગેરે જેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારમાં જાેડાયેલા હોય તેમને રક્ષણ આપવા ૨૦,૯૮,૪૮૫ એન-૯૫ માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોસ અને સેનેટાઈઝર વગેરેની ખરીદી પાછળ ૧૫.૪૨ કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો છે. કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે મહત્વપૂર્ણ એવા ૯૩૮ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે ૧.૮૦ કરોડ રૂપિયા, ૫૦૦૦ જેટલા લોકોની સ્ક્રિનિંગ તથા ડાઈગ્નોસ્ટીક સેવાઓ માટે ૧૯.૭૯ કરોડ રૂપિયા તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ સુવિધાઓ માટે ૧.૮૯ કરોડ રૂપિયા વાપર્યા છે.

મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને ખાસ કરીને કોરોના સંક્રમિતો માટે દવાઓ ઈન્જેક્શન વગેરેની સેવાઓ પૂરી પાડવા ૩૩.૯૨ કરોડ રૂપિયા રાહત નિધિમાંથી ફાળવ્યા છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશ દ્વારા ૨૬ હજાર વાઈલ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ ૨૨.૯૪ કરોડ રૂપિયા અને ૪૦ હજાર ટેબલેટની ખરીદી પાછળ કુલ ૧૦.૯૮ રૂપિયાના ખર્ચે કરીને કોરોના સંક્રમણના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લીધા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ૨૫ લાખ રૂપિયાની સહાય કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો અભિગમ અપનાવેલો છે. રાજ્યમાં આવા ૧૧ દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં ૨ કરોડ ૭૫ લાખની સહાય પરિવારને આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના દરમિયાન લોકડાઉનના સમયમાં રાજ્યમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શમાં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ ૯૯૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને ૧૪.૫૦ લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને ૬.૮૭ કરોડ રૂપિયા આપ્યા છે. મુખ્યમંત્રી રાહત નિધિનું આ કોરોના ફંડ રાજ્યમાં કોરોના સામેની લડાઇ માટેના સંસાધનો ઊભા કરીને કોરોના સંક્રમિત લોકોના ત્વરિત સાજા થઈ રોજિંદી પ્રવૃતિઓમાં ફરીથી પૂર્વવત થવામાં અગત્યનું પરિબળ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.