Western Times News

Gujarati News

જાહેરમાં થુંક્યા તો રૂ.પ૦૦નો દંડ

Files Photo

રાજયભરમાં તા.૧લી ઓગષ્ટથી નિયમ લાગુઃ અન્ય રાજયોએ દંડની રકમ આકરી કરતા અંતે ગુજરાતમાં પણ તેનો અમલ

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં જાહેરમાં માસ્ક નહિ પહેરનારાઓ સામે રૂ.પ૦૦ અને જાહેરમાં થૂંકનારાઓને રૂ.પ૦૦નો દંડ ભરવાનો રહેશે. રાજય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. દંડને લઈને પ્રવર્તી રહેલી દ્વિધાને કારણે આ નિર્ણય લેવાયો છે. હવેથી આ દંડની રકમ ૧લી ઓગષ્ટથી વસુલવામાં આવશે.

જાેકે આ પહેલા રાજયમાં અલગ અલગ પ્રકારે દંડ વસુલવામાં આવતા હતા તેને લઈને મુખ્યમંત્રીએ નારાજગી વ્યકત કરી હતી. મુખ્યમંત્રીની નારાજગીના કારણે નજીકના દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર હતો. જે નિર્ણય લઈ લેવામાં આવતા રાજયભરમાં એક સમાન રીતે દંડ લેવામાં આવશે.

કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને રાજય સરકારે અનેક પ્રકારના પગલા લીધા હતા. ખાસ તો લોકોમાં કોરોનાના કેસોને લઈને સંક્રમણ વધે નહી તે અંગે સરકાર ચિંતિત હતી. જાહેરમાં માસ્ક વિના નીકળનારાઓ તથા જાહેરમાં થૂંકનારાઓ સામે દંડનાત્મક કાર્યવાહીની શરૂઆત કરાઈ હતી. નાગરિકો પાસેથી અલગ-અલગ દંડ વસૂલવામાં આવતો હતો. જેમાં પોલીસ વિભાગ અને કોર્પોરેશન તંત્ર મનફાવે તે રીતે દંડ વસુલતા હતા.

દંડની રકમને લઈને કોઈ ધારાધોરણ નકકી કરાયુ ન હતુ. રૂ.ર૦૦થી લઈને રૂ.પ૦૦ સુધીનો દંડ વસુલવામાં આવતો હતો તેમાં પણ પોલીસની કે કોર્પોરેશનની દંડ વસુલવાની જવાબદારી છે તેને લઈને દ્વિધા પ્રવર્તી રહી હતી. નાગરિકો આ મામલે પરેશાન થયા હતા. અમુક સ્થળોએ તો પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. નાગરિકોનો રોષ જાેતા તંત્ર ફિકરમાં મુકાયુ હતુ.

ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નારાજગી વ્યકત કરી હતી. રાજયમાં દંડના પ્રવર્તી રહેલા અલગ-અલગ દરને અભ્યાસ કરીને એક સરખો કરવા અધિકારીઓને જણાવ્યુ હતુ. આ અગાઉ રાજયમાં રૂ.ર૦૦ તથા રૂ.પ૦૦ સુધી દંડ વસુલાતા હતા. પરંતુ રાજય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે ૧લી ઓગષ્ટથી જાહેરમાં માસ્ક નહી પહેરનારા તથા જાહેરમાં થૂંકનારા સામે દંડ પેટે રૂ.પ૦૦ વસુલવાના રહેશે.

રાજય સરકાર તરફથી દંડની રકમ વધારી દેવામાં આવતા જે નાગરિકો જાહેરમાં માસ્ક વગર નીકળશે અગર તો ગમે ત્યાં જાહેરમાં થૂંકશે તો દંડ ના રૂા.પ૦૦ ચૂકવવા પડશે અને તે મોંઘુ પડશે. રાજયમાં લોકો માસ્ક નહી પહેરતા હોવાના કિસ્સા સામે આવી રહયા છે. પરંતુ દંડની રકમ વધારી દેવાતા મામલો કંટ્રોલમાં આવી જશે અને લોકો માસ્ક નથી પહેરતા તે પહેરવા લાગશે.

જાેકે દંડની રકમ કોણ લેશે તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. પરંતુ મોટેભાગે પોલીસ અને કોર્પોરેશન સંયુક્ત રીતે કામગીરી કરશે તેમ મનાય છે. બીજી તરફ જાહેરમાં થૂંકનારાઓને રૂ.પ૦૦નો દંડ ભરવો પડશે. ખાસ તો પાન-મસાલા ખાનારાઓ ગમે ત્યાં પીચકારીઓ મારે છે તેમને આ પીચકારી રૂ.પ૦૦ માં પડશે. જાહેર સ્થળોએ ભેગા થતા લોકો સરકારી ગાઈડ લાઈનનું પાલન કરતા નથી તાજેતરમાં આપણે ધાર્મિક સ્થળોએ તથા ક્રિકેટ રમતા ક્રિકેટ પ્રેમીઓને સરકારી નિયમોના ધજાગરા ઉડાડતા જાેયા હતા.

પરંતુ રાજય સરકારે લાલ આંખ કરીને દંડની રકમ સુનિશ્ચિત કરી નાંખી છે. ૧લી ઓગસ્ટથી રાજયભરમાં દંડની રકમ એકસરખી રૂ.પ૦૦ વસુલવામાં આવશે. જાે દંડની રકમ ભરવામાં આનાકાની કરાશે અગર તો પોલીસ અધિકારીઓની ફરજમાં રૂકાવટના પ્રયાસ કરાશે તો તેવા નાગરિકો સામે કડક પગલા લેવાશે. રાજય સરકારે અનલોક જાહેર કર્યુ છે અને અર્થતંત્રને પાટે ચઢાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ત્યારે નાગરિકોની બેદરકારી કોરોના સંક્રમણનો ફેલાવો કરી રહયુ છે શહેર પછી ગામડાઓમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે તેને લઈને રાજય સરકારે કડક હાથે કામ લેવાનુ નકકી કર્યુ છે અને દંડની રકમમાં વધારો કરીને રાજયભરમાં એક સરખી રકમ કરી છે જેનો અમલ નવા મહિનાથી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.