Western Times News

Gujarati News

યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓને  રૂ. ૪૨૯ કરોડના ખર્ચથી ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં

????????????????????????????????????

ફોરલેન રસ્તાની કામગીરી જોઇ લોકોમાં આનંદ અને સંતોષની લાગણી
(માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓને રૂ. ૪૨૯.૪૮ કરોડના ખર્ચથી ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડુંગરાળ વિસ્તારોમાં ફોરલેન રસ્તાની કામગીરી જોઇ લોકોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી છે. આવા સરસ રસ્તાઓને લીધે યાત્રિકોને ખુબ સારી સુવિધા મળશે. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વધારો થશે. તેમજ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી લોકોને આબુરોડ-અંબાજી થઇ ગુજરાતમાં જવા સારી સુવિધા ઉપલબ્ધ બનશે. ફોરલેન રસ્તાઓને લીધે અંબાજી તથા આજુબાજુના વિસ્તારોનો ઝડપથી વિકાસ થશે. પદયાત્રિકોને આ રસ્તો બહુ સુવિધાજનક નિવડશે.

યાત્રાધામ અંબાજીને જોડતા ફોરલેન રસ્તાઓની વિગત આ પ્રમાણે છે. દાંતા- પાલનપુર રસ્તો કિ.મી. ૦/૦ થી ૨૮/૫૦૦ રૂ. ૯૧.૨૫ કરોડના ખર્ચથી, દાંતાથી અંબાજી રસ્તો કિ.મી. ૯૦/૦ થી ૧૧૨/૫૧૦ રૂ. ૧૦૮.૩૩ કરોડના ખર્ચથી, હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- અંબાજી રસ્તો કિ.મી. ૭૯/૨ થી ૧૦૩/૦ (ખેરોજથી અંબાજી) રૂ. ૧૬૧.૯૦ કરોડના ખર્ચથી તથા વિસનગર- વડનગર-સતલાસણા- આંબાઘાટા- દાંતા- અંબાજી રસ્તો કિ.મી. ૭૮/૦ થી ૯૦/૦ રૂ. ૬૮.૦૦ કરોડના ખર્ચથી મળી કુલ રૂ. ૪૨૯.૪૮ કરોડના ખર્ચથી રસ્તાઓને ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે તા. ૩૧ મે-૨૦૧૯ સુધીમાં રૂ. ૨૬.૫૮ કરોડનો ખર્ચ થયો છે.

ડુંગરાળ વિસ્તારોમાં ઘણા સ્થળોએ ચઢાણવાળી જગ્યાએ પથ્થરો તોડીને હીલવાળા રસ્તાઓને ઓછા ચઢાણવાળા બનાવવામાં આવ્યા છે. યાત્રિકોએ રસ્તાઓની કામગીરી જોઇને પ્રતિભાવ આપતાં કહ્યું કે અહીં ડુંગરાળ વિસ્તારોમાં ફોરલેન રસ્તા બનશે એ તો માત્ર સપનું કે કલ્પના જ હતી પરંતુ વિકાસને વરેલી આ સરકારે સાચા અર્થમાં વિક્રમજનક સર્વાગી વિકાસ કર્યો છે તેનો આપણને અહેસાસ થયો છે.

અંબાજી તીર્થસ્થાન પ્રાચીન સમયથી હોવાનું મનાય છે. વનવાસ દરમ્યાન સીતાજીને શોધતા ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી પણ અર્બુદાચલના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે ઋષિએ તેમને માતાજીના દર્શન કરવા મોકલ્યા હતાં. ભગવાન શ્રીરામ અને લક્ષ્મ્ણજીએ ભક્તિભાવથી માતાજીની પૂજા-અર્ચના કરી ત્યારે માતાજીએ પ્રસન્ન થઇ ભગવાન રામને અજયબાણ આપ્યું હતુ અને એ બાણથી જ રાવણનો નાશ થયાનું મનાય છે. શ્રીકૃષ્ણતનું ચૌલકર્મ પણ અંબાજીમાં ગબ્બર પર્વત ઉપરના સ્થાનકે થયાની માન્યતા છે. પાંડવો પણ વનવાસ દરમ્યાન અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં રહ્યા હોવાનું કહેવાય છે.

આમ ભવ્યાતિભવ્ય ઇતિહાસ અને મહિમા ધરાવતા અંબાજી તીર્થસ્થાનમાં હવે વધુ માઇભક્તો આવી દર્શન કરીને ધન્ય બનશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢેક દાયકામાં અંબાજી ખાતે યાત્રિકો માટેની સુવિધાઓ અને વિકાસકામો ખુબ સારા પ્રમાણમાં થયાં છે. પરિણામે યાત્રિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થયો છે.  બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વર્ષ- ૨૦૧૮-૧૯માં રૂ. ૨૧૪.૭૦ કરોડના ૨૧૧.૪૬ કિ.મી. લંબાઇના રસ્તાના કામો તથા રૂ. ૨૦.૨૦ કરોડના બિલ્ડીંગના કામો કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.