Western Times News

Gujarati News

કાશ્મીરમાં જવાનોમાં ડિપ્રેશન આઠ માસમાં ૧૮ આત્મહત્યા

પ્રતિકાત્મક

સતત ફરજ કરવાથી જવાનો તાણ અનુભવી રહ્યા છે-જમ્મુ કાશ્મીરમાં તૈનાત જવાનોને તણાવમુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગના સેશન ચલાવવામાં આવી રહ્યા છે
જમ્મુ,  કાશ્મીરમાં સુરક્ષા દળોના જવાનોમાં આત્મહત્યા અને પોતાના સાથીદારની હત્યા કરવાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં કાશ્મીરમાં ૧૮ જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે ૬ જવાન પોતાના જ સાથીદારે કરેલા હુમલામાં મરી ગયા છે. ગયા વર્ષમાં કાશ્મીરમાં ૧૯ જવાનોએ આત્મહત્યા કરી હતી.

ગયા વર્ષે એક વર્ષમાં આટલા જવાનોએ આત્મહત્યા કરી હતી. આ કિસ્સાઓમાં કારણ એ છે કે, સુરક્ષા કર્મચારીઓને જરૂરથી વધુ રોજિંદી ડ્યુટી કરવી પડી રહી છે. તેઓ પરિવારથી લાંબા સમયથી દૂર રહેવા મજબૂર છે. આથી તેઓ તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા છે. એ જવાન વધુ પરેશાન છે, જે સીધી રીતે આતંક વિરોધી અભિયાનોમાં તૈનાત છે. અનેક વખત તેમની ધીરજ તુટી જાય છે.

આ વર્ષે આત્મહત્યાઓનું એક મોટું કારણ કોરોના સંકટ પણ કહેવાય છે. ખાસ કરીને સીઆરપીએફના બે કેસમાં આ વાત સ્પષ્ટ થઈ છે. ૧૨ મેના રોજ અનંતનાગ જિલ્લાના અક્રુર્ણ મટ્ટન વિસ્તારમાં સીઆરપીએફના એક સબ ઈન્સ્પેક્ટરે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એ જ દિવસે શ્રીનગરના કરણનગર વિસ્તારમાં સીઆરપીએફના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ કેસ પણ કોરોનાના ડર સાથે જોડાયેલો કહેવાય છે.

શ્રીનગરમાં સીઆરપીએફના જનસંપર્ક અધિકારી પંકજ સિંહે કહ્યું કે, જવાનોને તણાવમુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગ સેશન ચલાવાઈ રહ્યા છે. આ ઉપરાંત સવારે કસરતમાં એ ગતિવિધિઓ પર ભાર મુકાય છે, જેનાથી માનસિક આરોગ્યને ફાયદો થાય. બીજા એક અધિકારીએ કહ્યું કે, ટોચના અધિકારી એવી વ્યવસ્થા કરે કે તેમના સાથીદારો લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવા મજબૂર ન થાય. તેઓ પરિવાર સાથે પુરતો સમય પસાર કરી શકે. કાશ્મીરના મનોચિકિત્સક ડો. યાસિર હસન રાથરે કહ્યું કે, દર મહિને તેમની પાસે અનેક જવાન માનસિક સમસ્યાઓના ઈલાજ માટે આવે છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.