Western Times News

Gujarati News

ઝઘડિયામાં નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને સ્થળાંતર કરેલ જગ્યા પર તંત્ર દ્વારા કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી

ભાલોદ ખાતે હાઈસ્કૂલ માં સ્થળાંતરિત કરાયેલ સેંકડો પુરુષો મહિલાઓ અને બાળકો માટે પીવાના પાણી,નાહવા ધોવા માટે ની સગવડ તેમજ ટોયલેટ તથા પશુઓ માટે ઘાસચારાની સગવડ પણ લોકો એક બીજાની મદદથી જાતે કરી રહ્યા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારના ગામોના સેંકડો લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છે પરંતુ તે પૈકી કેટલાક સ્થળાંતર વાળા સ્થળોએ તંત્ર દ્વારા લોકોને કોઈ સુવિધા આપવામાં આવી નથી. પીવા માટેનું પાણી, નાહવા ધોવા માટે નું પાણી,ટોયલેટ તેમજ પશુઓ માટે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી નથી. આજુબાજુના ગ્રામજનો ઘાસચારો સ્થળાંતર કરાયેલ લોકો સુધી તેમનાથી જેટલો બની શકે તેટલો પહોંચતો કરી માનવતા દાખવી રહ્યા છે પરંતુ તંત્ર તે ફોટા પાડી શેર કરવામાં વ્યસ્ત છે.

ઝઘડિયા તાલુકાના ઓર,પટાર,જૂની તરસાલી,જુના ટોઠીદરા,જૂની જરસાડ જુના પોરા વિગેરે નીચાણવાળા નર્મદા નદીના કિનારાના ગામડાઓને ભાલોદ તેમજ અવિધા ખાતે તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છે.ઝઘડિયા તાલુકાના ગામો માંથી ૧૫૦૦ થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને તે એટલી જ સંખ્યામાં તેમના પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે.ઝઘડીયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા લોકો માટે પૂરતી સગવડ કરવામાં આવી નથી.તો મૂંગા પશુ માટે પણ કશું કર્યું નથી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતેની હાઈસ્કૂલમાં સ્થળાંતર કરાયેલ લોકોની હાલત સગવડના અભાવે કફોડી બની છે.જે સ્થળે તેમને રાખવામાં આવ્યા છે તે હાઇસ્કૂલના મેદાનમાં ગંદકીનો મોટું સામ્રાજ્ય છે

જેથી રોગચાળો ફેલાય તેવી શકયતાઓને નકારી શકાય એમ નથી.ઉપરાંત લોકો માટે પીવાના પાણી,નાહવા ધોવા ના પાણી, ટોયલેટ, બાથરૂમ ની પણ સગવડ નથી તો પછી મૂંગા પશુઓ માટે ઘાસચારાની સગવડ ક્યાંથી હોય ! સ્થળાંતર કરાયેલ લોકો તો તેમની પોતાની જરૂરિયાત યેનકેન પ્રકારે પૂર્ણ કરે છે પરંતુ મૂંગા પશુઓ માટે ઘાસચારો સ્થાનિકો એક બીજાની મદદથી મોકલી રહ્યા છે.ઝઘડિયા તાલુકાનું તંત્ર લોકોને સુવિધા આપવામાં ઉણુ ઊતર્યું હોય તે સ્પષ્ટપણે જણાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.