Western Times News

Gujarati News

યુનિવર્સિટીના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

File

અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને પગલે બેવાર પરીક્ષા મોકૂફ રખાયા બાદ આખરે ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા આજથી શરૂ થઈ છે. કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા સુપેરે પાર પાડવા તંત્ર સજ્જ બન્યું છે. કોવિડ ૧૯ના નિયમોના પાલન સાથે પરીક્ષાનું આયોજન ગોઠવાયું છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે યુનિવર્સિટીના વ્યવસ્થા તંત્રની પણ પરીક્ષા હોય તેવું લાગી રહ્યું છે.

કોરોના સંક્રમણને કારણે જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં ૩ સપ્ટેમ્બર અને ૧૨ સપ્ટેમ્બરના રોજ અંદાજે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આજે લૉ અને માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અપાશે.

સાથે જ એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષા લેવામાં આવશે. તમામ તકેદારી સાથે પરીક્ષાના સમય કરતાં ૧ કલાક પહેલાં પરીક્ષાખંડમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે એચ. એ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે, એક પરીક્ષાખંડમાં ઝીકઝેક પોઝિશનમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેને ત્રણવાર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે લૉકડાઉન જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષાનું આયોજન અટવાયું હતું.

ગુજરાત યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય એટલા માટે હતો કેમ કે રાજ્યભરમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમની પરીક્ષા લેવી તે જટિલ પ્રક્રિયા હતી. જેના કારણે અનેકવાર વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરી પરીક્ષા મોકૂફ રાખવા કે રદ કરવાની રજૂઆતો કરી હતી. જેનો વિવાદ પણ સર્જાયો હતો અને આખરે વિવાદ વચ્ચે પરીક્ષા લેવાનું શરૂ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.