Western Times News

Gujarati News

૨૦૧૯માં અકસ્માતોમાં રોજ ૨ રાહદારીઓનાં મોત

અમદાવાદ: શું તમે ક્યારેય અત્યંત વ્યસ્ત રહેતા રોડ પરથી પસાર થતી વખતે ડર અનુભવ્યો છે? કદાચ જવાબ ના હશે. પરંતુ રાજ્ય પોલીસના જે આંકડા સામે આવ્યા છે જેનાથી તમને આંચકો જરૂરથી લાગશે. આ આંકડા મુજબ ૨૦૧૯માં રસ્તા પરથી પસાર થતાં ૭૨૮ રાહદારીઓના મોત થયા હતા,

તેનો અર્થ એ થયો કે રાજ્યમાં રોજના સરેરાશ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યૂરોનો વર્ષ ૨૦૧૯ માટેનો રિપોર્ટ ‘એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યૂસાઈડ્‌સ ઈન ઈન્ડિયા’ મુજબ છેલ્લા એક દશકામાં રાહદારીઓના મોતનો આ સૌથી મોટો આંકડો છે. વર્ષ ૨૦૧૫માં રસ્તો પસાર કરતી વખતે ૪૮૮ લોકોના મોત થયા હતા, જેમાં ૨૦૧૯માં ૫૦ ટકાનો વધારો થયો હતો એટલે કે ૭૨૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં રાહદારીઓના સૌથી વધુ મોત થયા છે,

૨૦૧૮માં ૩૩ મોતની સરખામણીમાં ૨૦૧૯માં ૫૩ લોકોના મોત થયા હતા. સુરતમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ૭૮ રાહદારીઓના મોત નીપજ્યા હતા. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કુલ ૨૦૬ રાહદારીઓના મોત થયા હતા અથવા કુલ મૃત્યુઆંક ૭૨૮ના ૩૦ ટકા કરતાં ઓછા મોત નોંધાયા હતા. આ સૂચવે છે કે, મોટાભાગના મોત નાના શહેરો, ટાઉન અને ઓછા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગામડાઓમાં થયા છે. અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટટિવ કમિટીના પ્રમુખ ડો. પ્રવિણ કાનાબારે કહ્યું કે, તેમણે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લખેલા પત્રમાં રાહદારીઓ માટે રોડની સુવિધા સુધારવાની તાતી જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો છે.

દુર્ભાગ્ય રીતે રાહદારીઓ રોડનો ઉપયોગ કરનારામાં સૌથી અવગણના પામેલા ભાગોમાંથી એક છે. રોડ સેફ્ટી ડ્રાઈવ દરમિયાન અમે ઘણીવાર સીનિયર સિટિઝન, બાળકોને લઈને જઈ રહેલી મહિલાઓ અથવા દિવ્યાંગ લોકોને રોડ પરથી પસાર થતી વખતે તેમને કેટલી તકલીફો પડે છે તે જોયું છે’, તેમ કાનાબારે કહ્યું. તેમણે ઉમેર્યું કે, શહેરમાં રાહદારીઓ માટે ખૂબ જ ઓછા સિગ્નલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.