Western Times News

Gujarati News

શિક્ષકોના અપગ્રેડેશન માટે વિવિધ તાલીમ અને કાર્યક્રમો યોજાયા

‘સતત શીખતો રહે તે સાચો શિક્ષક.’ આ ઉક્તિ વિશ્વભારતી શાળામાં સાર્થક થાય છે. શાળામાં શિક્ષકોના અપગ્રેડેશન માટે વિવિધ તાલીમ અને કાર્યક્રમો રાખવામાં આવે છે. તેના એક ભાગરૂપ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 100 જેટલા શિક્ષકો ગુજરાત વિધાનસભા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ આયુર્વેદિક ઉદ્યાન, ગાંધીનગરની મુલાકાતે ગયા હતા.

શિક્ષકોએ લાઈવ વિધાનસભાની મુલાકાત લીધી હતી. સ્થાનિક ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખે શિક્ષકોનું વિધાનસભામાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ટોચના અધિકારીશ્રીઓ શ્રી એ. જે. શાહ (ચેરમેનશ્રી), શ્રી બી. એન. રાજગોર (ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી), શ્રી મહેશભાઈ મહેતા (નાયબ નિયામકશ્રી, વિજ્ઞાન પ્રવાહ), સુશ્રી અવનીબા મોરી (નાયબ નિયામકશ્રી, સામાન્ય પ્રવાહ), શ્રી પઠાણસાહેબ (ખાસ ફરજ પરના અધિકારીશ્રી)એ ઉપસ્થિત રહીને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.

અધિકારીઓના કહેવા મુજબ શાળાના શિક્ષકો બોર્ડની કામગીરીના અભ્યાસ માટે આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આયુર્વેદિક ઉદ્યાનમાં વિવિધ વનસ્પતિઓના લક્ષણો અને ઔષધીય ઉપયોગ વિશે શ્રીમતી ક્રિષ્નાબેન પંચાલે માહિતી આપી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ઈરફાનભાઈ ચિશ્તી મુલાકાત દરમિયાન શિક્ષકોની સાથે રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.