Western Times News

Gujarati News

કોરોનાથી ભાંગી પડેલું વૈશ્વિક અર્થતંત્ર પ વર્ષે સંપૂર્ણ બેઠું થશે

મેડ્રિડ: કોરોના મહામારીને કારણે આખી દુનિયાના અર્થતંત્રને ગંભીર અસર થઈ છે, અને તેમાંથી રિકવર થવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગી જશે. વર્લ્‌ડ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ કારમેન રેનહાર્ટના જણાવ્યા અનુસાર, લોકડાઉન અંતર્ગત લાદવામાં આવેલા નિયંત્રણો મોટાભાગે હટી જવાથી એક પ્રકારે ઝડપી રિકવરી ચોક્કસ જોવાશે, પરંતુ સંપૂર્ણ રિકવરી આવવામાં પાંચેક વર્ષનો સમય લાગશે. રેનહાર્ટે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે શરુ થયેલી મંદી વિશ્વના કેટલાક દેશોમાં લાંબી ચાલશે.

જેના કારણે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધુ પહોળી બનશે, અને ગરીબો તેના સૌથી વધુ ભોગ બનશે. ધનવાન દેશો કરતા ગરીબ દેશોને તેની વધારે ઘાતક અસરો સહન કરવી પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦ વર્ષમાં પહેલીવાર કોરોનાને કારણે વિશ્વમાં ગરીબોની સંખ્યા વધશે. રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસે સોમવારે જ જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં વી-શેપ (અત્યંત ઝડપી) રિકવરી થવાની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે ખેતીક્ષેત્રમાં પ્રવૃત્તિ વધી છે,

લોકોની ખરીદ શક્તિ અને બેરોજગારી અંગેના કેટલાક અંદાજોને જોતા આ વર્ષનું બીજું ક્વાર્ટર સ્ટેબલ રહેવાની શક્યતા છે. દાસે કહ્યું હતું કે હજુ સાવર્ત્રિક રિકવરીના અણસાર નથી દેખાઈ રહ્યા. કેટલાક સેક્ટરના કામકાજ સુધર્યા છે. જોકે, સમગ્ર અર્થતંત્રમાં ધીરે-ધીરે સુધારો જોવા મળશે. જોકે, વધતો ફુગાવો ચિંતાની વાત છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોકડાઉન હળવું થયા બાદ હવે કોરોનાના કેસ વધીને ૫૦ લાખને પાર થઈ ગયા છે. વિશ્વમાં અત્યારસુધી આવેલી સાર્સ, માર્સ, ઈબોલા અને ઝીકા જેવી મહામારીનો ઉલ્લેખ કરતા દાસે કહ્યું હતું કે તેના કારણે ત્રણ વર્ષ સુધી ઉત્પાદનમાં ચાર ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેવામાં કોરોનાની અસર તેના કરતા પણ વધુ ઊંડી સાબિત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.