Western Times News

Gujarati News

મુખ કેન્સરના દર્દી ધરાવતાં ભારતના ટોચના શહેરોમાં અમદાવાદ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, લેટેસ્ટ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (જીએટીએસ)નાં સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જે મુજબ, છેલ્લાં સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની વય ૨૦ વર્ષથી ઘટીને ૧૬ વર્ષની થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં યુવાનો અગાઉ કરતાં ઓછી વયે ધુમ્રપાનની શરૂઆત કરતા થઇ ગયા છે. અભ્યાસ સોશિયોડેમોગ્રાફિક કોરિલેટ્‌સ ઓફ ટોબેકો કન્ઝ્યુમ્પ્શન ઇન રુરલ ગુજરાત, ઇન્ડિયા મુજબ, તમાકુનું સેવન પુરુષોમાં નોંધપાત્ર રીતે ઊંચું (૩૨ ટકા) છે, ખાસ કરીને ૧૮થી ૩૪ વર્ષની વયજૂથ (૩૫ ટકા)માં.

આ ચલણ મહિલાઓની સરખાણમીમાં પુરુષોમાં ૧૧ ગણું વધારે છે એમ અત્રે એપોલો સીબીસીના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડો. વિશાલ ચોક્સીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ તમાકુનું સેવન જુદાં જુદાં સ્વરૂપે કરે છે. તમાકુનો મુખ્યત્વે ઉપયોગ ધુમ્રપાન અથવા ગુટકા સ્વરૂપે થાય છે, જે મોઢા અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે.

ધુમ્રરહિત તમાકુનું સેવન જેમકે મસાલા, ગુટકા, ખૈની, છીંકણી, તમાકુનો પાવડર ઘસીને મોંમાં ભરવા અથવા તમાકુ ધરાવતી ટૂથપેસ્ટ સાથે દાંત ઘસવા-ગુજરાતમાં મોઢાના કેન્સરો માટે જવાબદાર સૌથી વધુ સામાન્ય કારણો છે. ગત દાયકામાં ગુજરાતનાં હેડ એન્ડ નેક કેન્સરનાં કેસોમાં મોટો વધારો થયો હતો, ખાસ કરીને મુખનાં કેન્સરનાં કેસોમાં દર એક લાખની વસતિદીઠ ૧૮.૧નાં દર સાથે અમદાવાદ મુખનાં કેન્સરનાં દર્દીઓ ધરાવતાં ભારતનાં ટોચનાં શહેરોમાં સ્થાન ધરાવે છે. વ્યક્તિએ તમાકુનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ અને શંકાસ્પદ રોગ માટે શરીરમાં કોઈ પણ ચિહ્નો પર નજર રાખવી જોઈએ.

રોજિંદા રુટિનમાં શારીરિક પ્રવૃત્તિ કરવી, સ્વસ્થ ભોજન લેવું, શરીરનું વજન જાળવવું અને નિયમિત ચકાસણી કરાવવી જરૂરી છે. વર્ષ ૨૦૧૬માં જ પુરુષો અને મહિલાઓ એમ બંનેમાં સંયુક્તપણે ઓરલ કેવિટી કેન્સર્સનો દર લાખદીઠ ૧૬.૧ વ્યક્તિનો હતો, જે માટે ધુમ્રરહિત તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન અને ધુમ્રપાન જવાબદાર હતાં. ડો.વિશાલ ચોકસીએ ઉમેર્યું કે, અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, પુરુષોમાં કેન્સરને કારણે થતાં મૃત્યુ માટે હોઠ અને ઓરલ કેવિટી કેન્સર, ફેફસાનું કેન્સર, ફેરીનક્સ કેન્સર અને ઓઇસોફેજીયલ કેન્સર મુખ્યત્વે જવાબદાર હોય છે.

ડેટા મુજબ, રાજ્યમાં પુરુષોમાં તમામ કેન્સરનો ૨૦.૩ ટકા કેન્સરનું નિદાન મુખનાં કેન્સર તરીકે થયું હતું. ત્યારબાદ ૧૧.૫ ટકા જીભનું કેન્સર અને ૮.૪ ટકા ફેફસાનું કેન્સર હતું. ગુજરાતમાં પુરુષોને થતાં કેન્સરમાં તમાકુને કારણે થતાં કેન્સરમાં આ ત્રણ કેન્સરનું પ્રમાણ વધારે છે. હકીકતમાં રાજ્યમાં પુરુષોમાં તમામ કેન્સરનાં ૫૬.૩ ટકા કેસ તમાકુ સાથે સંબંધિત કેન્સરનાં હોય છે. આ ડેટામાં એવો ખુલાસો પણ થયો હતો કે, મુખનાં કેન્સરનાં તમામ કેસોમાં અમદાવાદ ટોચનાં સ્થાને છે. એટલે અમદાવાદને ગુજરાતમાં મુખનાં કેન્સરની રાજધાની કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.