Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ રાજકોટમાં ર.પર કરોડના કામોનું લોકાર્પણ કર્યું

સામાન્ય માનવીને ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે પગલા લેવા છુટ્ટો દોર

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સામાન્ય માનવીને ન્યાય મળે, છેવાડાનો માનવી પણ ર્નિભયતાથી જીવે અને વિકાસ કરે તેવી ભાવનાથી રાજ્યના પોલીસતંત્રને સમાજ વિરોધી તત્વો, ગૂંડાઓ, ચેનસ્નેચર્સ, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કે ગૌવંશ હત્યા કરનારાઓ સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ નિયંત્રણ, ઇન્ટરનલ સિકયુરિટી, આતંકવાદ વિરોધી દળ વગેરેથી પોલીસદળને છેલ્લા ૪ વર્ષમાં સુસજ્જ કરી પ્રજાજીવનમાં શાંતિ, સલામતિ, સુરક્ષિતતાનો કોલ આપણે સૌએ સાથે મળીને આપ્યો છે.

રાજ્યની વિકાસ યાત્રાને શાંતિ-સલામતિ સાથે સોળે કળાએ ખિલવવી છે. મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસ.આર.પી ગૃપ-૧૩ ઘંટેશ્વર રાજકોટમાં રૂ. ર.પર કરોડના ખર્ચે નિર્માણ થયેલા આાર્મ્સ-એમ્યુનેશન બિલ્ડીંગ, કંપની સ્ટોર તથા કિચન બ્લોક વગેરેના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીએ પોલીસ સેવા અન્ય વિભાગો કરતાં વિશિષ્ટ અને જુદી છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દિવસ-રાત સતત ખડેપગે કામ તેમજ પ્રજાના જાન-માલ, કાયદો વ્યવસ્થાની જાળવણી કરતા આ કર્મીઓને સ્ટ્રેસફૂલ લાઇફ તનાવમુકત જીવન માટે તેમને સગવડતાભર્યા મોકળાશ વાળા આવાસો, નવા અદ્યતન પોલીસ મથકો અને ટેકનોલોજીના સૂમેળ સાથેની સેવાઓના અનેક પ્રકલ્પો આપણે સાકાર કર્યા છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમ દર વર્ષે આવા ૧૦ હજાર જેટલા આવાસો બનાવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ સુદ્રઢ કાયદો વ્યવસ્થાને વિકાસની પૂર્વશરત ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાના નામે ગુજરાતની હાલત કથળેલી હતી. રાજ્યના ઇલાકાઓ નામચીન તત્વોના નામે ઓળખાતા હતા.આપણે હવે, ગાંધી-સરદાર-નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવી લોકોને સુરક્ષા-સલામતિનો અહેસાસ આપ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે કાયદાઓ કડક બનાવવા સાથે તેમાં સુધારાઓ પણ કરતા જઇએ છીયે.

ગૂંડા તત્વો, પ્રજાને રંજાડનારા લોકો, ગૌવંશ હત્યા કરનારા, ચેનસ્નેચીંગ જેવા કૃત્યો કરનારા છૂટી ન જાય તેમને કડકમાં કડક સજા થાય તેવી નેમ સાથે શાંત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાતના મંત્રથી કાર્યરત છીએ. વિજય રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતીને કારણે લોકો પોતાના ધંધા-વ્યવસાયનો વિસ્તાર વધારવા ઇચ્છતા ન હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાંતિ-સલામતિ એવી સુદ્રઢ બનાવી કે ગુજરાત હુલ્લડમુકત બન્યુ, ભાઇચારા-સદભાવનાની ભાવનાથી અપિઝમેન્ટ ટુ નન જસ્ટીસ ટુ ઓલ સાથે ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાએ દેશમાં આગવી ઇમેજ ઊભી કરી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આપણે સુરક્ષા-સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ ઇન્ફ્રાસ્ટ્રકચર-સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યુ છે. તેમણે હાલના કોરોના સંક્રમણ કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોતાના જાનના જોખમે પણ પ્રજાની રક્ષા કરનારા પોલીસ-એસ.આર.પી કર્મીઓની સેવાઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં ભાવિ પેઢીની સુખ-સમૃદ્ધિ શાંતિ-સુરક્ષા માટે પોલીસદળ ઉત્કૃષ્ટ દાયિત્વ-જવાબદારી નિભાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.