Western Times News

Gujarati News

95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી જ્ઞાન અને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી. Ahmedabad Civil Hospital Doctor team Rescued woman with 95-97% damaged lungs due to Corona #Covid19

મૃત્યુ અને તબીબોની તજજ્ઞતા વચ્ચેના તુમૂલ સંગ્રામના અંતે તબીબોની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા જીતી…. મનિષાબહેન સાજા થઇને સ્વગૃહે પરત ફર્યાં- સઘન સારવાર, તબીબોની દરકાર અને સંવેદનશીલ સરકારના કારણે નવજીવન મળ્યું : મનિષાબહેન

એક સામાન્ય માણસ જીવન બચાવનારા તબીબોને જીવન આપનારા ઇશ્વરની સમકક્ષ સ્થાન આપતો હોય છે. અમદાવાદ સિવિલના તબીબોએ તબીબી જગતના સૌથી પડકારજનક કહી શકાય એવા આ કિસ્સામાં એક ગરીબ ખેતમજૂર મહિલાને બચાવવા મૃત્યુ સામે તુમૂલ સંગ્રામ છેડ્યો હતો

અને આ મહિલાને મોતના મુખમાંથી હેમખેમ ઉગારીને તબીબોએ સમાજમાં તેમના આ ઉચ્ચ ગરિમામય સ્થાનને શત પ્રતિશત સાર્થક કરી બતાવ્યું હતું, સાથે જ તેમના નોબેલ પ્રોફેશનની ગરિમાને તથા જનતાના સ્વાસ્થ્ય-સુશ્રુષા પ્રત્યેની અમદાવાદ સિવિલની પ્રતિબદ્ધતાને આગવી ઊંચાઈ પ્રદાન કરી હતી.

આ સમગ્ર ઘટના એવી છે કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મનિષાબહેન ગામમાં ખેતમજૂરી કરી રહ્યા હતાં ત્યારે સ્વાસ્થ્યની તકલીફ સર્જાઈ… ઉધરસ, તાવ જેવા ચિહ્નો દેખાયા, થોડા સમય બાદ મોઢામાંથી લોહી નીકળવા લાગ્યુ. સ્વાભાવિક રીતે પરિવારજનો ચિંતિત બન્યા.

ગામથી નજીક એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબોએ ઘોળકાની મુખ્ય હોસ્પિટલમાં જવા કહ્યુ. મનિષાબહેનના પરિવારજનો તેમને લઇને ધોળકા હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાંના તબીબોએ કહ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચો નહીંતર ૩ કલાક બાદ મનિષાબહેનને નહીં બચાવી શકાય !!!

મનિષાબહેનના પરિવારજનો તેમને ઝડપભેર અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં લઇ આવ્યા. ત્યાં રિપોર્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો. તદુપરાંત એકસ-રેમાં જે દેખાયુ તે જોઇ તબીબો પણ આશ્ચર્યચકિત થઇ ગયા. ફેફસાની સ્થિતિના ઉંડાણપુર્વક અને સચોટ પરિણામ સુધી પહોંચવા મનિષાબહેનનો HRCT કરાવવામાં આવ્યો, તેમાં જે દેખાયુ તે સિવિલના તબીબો માટે કોરોનાકાળનો સૌથી પડકારજનક કિસ્સો હતો.

મનિષાબહેનના ફેફસામાં ૯૫ થી ૯૭ ટકા સુધી નુકસાન પહોંચી ચુક્યુ હતુ..સી.ટી. સ્કોર પણ ૪૦/૪૦ આવ્યો હતો. તબીબોના અનુમાન પ્રમાણે આટલી ગંભીર સ્થિતિ વચ્ચે દર્દીનું બચવુ અત્યંત મુશ્કેલ બની રહે છે.         મનિષાબહેનને ફેફસામાં થયેલા અત્યંત ગંભીર નુકસાનને તબીબી જગતમાં ફાઇબ્રોસીસ કહે છે. આ નુકસાનની સધન અને સચોટ સારવાર કરવામાં ન આવે તો મનિષાબહેનનું મૃત્યુ થવાની સંભાવનાઓ રહેલી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં છેલ્લા ૮ મહિનાથી કોરોના ડ્યુટી નિભાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમાર અને પ્રોફેસર અને વડા પલ્મોનરી મેડિસિન (ફેફસા સંબંધિત રોગ ના નિષ્ણાત) ડૉ. રાજેશ સોલંકી પણ મનિષાબેનનો રીપોર્ટ જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. અંતે આ બંને નિષ્ણાંત તબીબોએ મનિષાબેનને ત્વરિત સારવાર આપીને સ્વસ્થ કરવાનું બીંડુ ઉપાડ્યું અને પછી શરૂ થયો મૃત્યુ અને દર્દીને મૃત્યુથી બચાવનારા તબીબ વચ્ચેનો સંઘર્ષ!

તબીબો મનિષાબેનને રેમડેસીવીર, ટોસીલીઝુમેબ , પેન્ટાગ્લોબિન જેવા અત્યંત મોંધા ઇન્જેકશનની સારવાર સાથે ડેક્ઝોના જેવી સપોર્ટિવ સારવાર આપીને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યા. આ સારવારના કારણે તેમના મોઢામાંથી સતત વહેતુ લોહી અટક્યું અને ધીરે ધીરે મનિષાબહેનની સ્થિતિ સુધરવા લાગી. આખરે મૃત્યુ અને તબીબોની તજજ્ઞતા વચ્ચેના તુમુલ સંગ્રામના અંતે તબીબોની ફરજ પ્રત્યેની કર્તવ્ય પરાયણતા જીતી અને મનિષાબહેન સાજા થયા. મૃત્યુની કગારે આવી પહોંચેલી એક મહિલાને નવજીવન પ્રદાન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી જ્ઞાન અને માનવીય સંવેદનાની આગવી મિસાલ પ્રસ્થાપિત કરી હતી.

સિવિલ હોસ્પિટલના આસિસટન્ટ પ્રોફેસર અને ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલના નોડલ ડૉ.કાર્તિકેય પરમાર કહે છે કે મારા ૮ મહિનાની કોરોના ડ્યુટીમાં સૌથી પડકારજનક અને ચોકાંવનાર કિસ્સો જોવા મળ્યો હતો. મનિષાબેન કે જેઓની ઉમ્ર ફક્ત ૩૦ વર્ષ છે . ફેફસામાં ૯૫ થી ૯૭ ટકા નુકસાન પહોંચવુ તે આ  ઉંમરના દર્દીમાં ખૂબ જ રેર જોવા મળ્યુ છે. મનિષાબેન જ્યારે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે અતિગંભીર હાલતમાં હતા પરંતુ અમારા નિષ્ણાંત તબીબોની ટીમના સંકલન અને સધન સારવાર ના કારણે મનીષાબેનને ફક્ત ૧૨ દિવસમાં જ અતિ ગંભીર સ્થિતિમાથી સંપૂર્ણ પણે સ્વસ્થ કરવામાં આવ્યા.

મનિષાબેને સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફરતી વેળાએ કહ્યુ કે અમારા જેવા ગરીબ પરિવારને સરકારી હોસ્પિટલમાં મળેલી સઘન અને શ્રેષ્ઠ સારવાર મારા માટે આશીર્વાદ રૂપ બની છે. રાજય સરકાર દ્વારા વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવતા અત્યંત મોંઘા તમામ ઇનેજકશનનો મારી સારવારમાં ઉપયોગ કરીને મને બચાવી લેવા માટે સંવેદનશીલ રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ.

ફાઇબ્રોસીસ શું છે ?  ફેફસા ખૂબ જ સ્થિતિ સ્થાપક અને નરમ હોય છે. જે કારણોસર ફેફસા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી શકે છે. કોરોનાગ્રસ્ત દર્દીમાં થ્રોમ્બો ઇન્ફલેમેશન (ફેફસામાં સોજો થવો અને લોહીના ગઠ્ઠા) જામી જવાના કારણે ફેફસા તેની સ્થિતિ સ્થાપકતાં ગુમાવીને કઠ્ઠણ બની જાય છે જેને મેડિકલ ભાષામાં ફાઇબ્રોસીસ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ટીબીના દર્દીમાં ફેફસાના ઉપરના ભાગમાં જ્યારે ન્યુમોનિયામાં ફેફસાના નીચેનો ભાગ પથ્થર જેવો કડક થઇ જતો જોવા મળે છે પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીના જ્યારે ફેફસાને નુકશાન પહોંચે ત્યારે તે ફેફસાના સમગ્ર ભાગમાં ફાઇબ્રોસીસ થતુ જોવા મળે છે. ફેફસાના ડાબી બાજુમાં ૨ અને જમણી બાજુમા ૩ એમ કૂલ મળીને પાંચ ખંડ આવેલા હોય છે. કોરોનાગ્રસ્ત દર્દીને પાંચેય ખંડમાં ફાઇબ્રોસિસ જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને રાજ્યમાં સૌપ્રથમ કોરોના મૃતદેહોની ઓટોપ્સી કરવાની મંજૂરી મળી છે. જેમા તાજેતરમાં જોવા મળેલ કિસ્સા પ્રમાણે એક દર્દીના ફેફસાની ઓટોપ્સી કરવામાં આવતા તેના ફેફસામાં અત્યંત ગંભીર ફાઇબ્રોસીસ જોવા મળ્યુ હતું.   તાજેતરમાં જ ભારત દેશના ચેન્નઇ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીનું દેશનું પ્રથમ ફેફસાનું પ્રત્યારોપણ હાથ ધરવામાં આવ્યુ હતુ.  કોરોનામાં ફેફસાને અતિગંભીર તકલીફ થતી હોવાના કારણે જ રાજ્ય સરકાર દ્વારા પણ ફેફસાનું પ્રત્યારોપણ કરવાની દિશામાં પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.