Western Times News

Gujarati News

સવાયા ગુજરાતી 95 વર્ષીય ફાધર વાલેસનો દેહવિલય

લોગરોનો,ગુજરાતી પ્રજાના અદકેરા સેવક અને સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતનમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. ફાધર વાલેસના અવસાનથી ગુજરાતે એક પનોતો પુત્ર અને લોકસેવક ગુમાવ્યો હતો.

1925ના નવેંબરની ચોથીએ સ્પેનના લોગરોનો શહેરમાં એક એંજિનિયરને ઘેર  થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે  માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા આઅને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી ગયા. પોતાની માતાની કાકીને ત્યાં રહેવા ગયા.

કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ ય ધર્મસેવક બની ગયા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.

ગુજરાતી શીખવા તરફ આકર્ષણ થવાનું કારણ એ હતું કે તેમના મિશનના વડાએ તેમને અમદાવાદમાં  નવી શરૂ કરાયેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઇએ એમ તેમને લાગ્યું હતું. દરમિયાન, એમનો ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો.

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. 1960માં અમદાવાદ આવ્યા અને તરત બચુભાઇ રાવતના કુમાર સાપ્તાહિકે તેમને પોતાને ત્યાં લખવાનું આમંત્રણ આપ્યું. એ પહેલાં તેમનું એક પુસ્તક સદાચાર નામે પ્રગટ થઇ ચૂક્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.