Western Times News

Gujarati News

ભારતે કર-ત્રાસવાદથી કર-પારદર્શકતા તરફ પ્રયાણ કર્યું: પ્રધાનમંત્રી

પ્રામાણિક કરદાતાઓના ગૌરવ પર ધ્યાન આપવામાં આવ્યું તે સૌથી મોટો સુધારો છે- આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક ખંડપીઠની ઓફિસ સાથે રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક ખંડપીઠના ઓફિસ સાથે રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ખંડપીઠ હવે માત્ર ઓડિશામાં જ નહીં પરંતુ પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડશે અને આ પ્રદેશમાં લાખો કરદાતાઓને તેમના પડતર કેસોના નિકાલ માટે મદદરૂપ થશે. India has Moved from Tax-Terrorism to Tax-Transparency: Prime Minister Narendra Modi

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ આજે કર ત્રાસવાદથી કર પારદર્શકતાની દિશામાં પ્રયાણ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તન રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારો, કામગીરી અને પરિવર્તન)ના અભિગમના પરિણામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી નિયમો અને પ્રક્રિયાઓમાં સુધારા કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટ ઇરાદાઓ સાથે કામ કરી રહ્યાં છીએ અને સાથે-સાથે કર વહીવટીતંત્રની માનસિકતામાં પણ પરિવર્તન લાવી રહ્યાં છીએ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશની સમૃદ્ધિ વધારનારા લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે, ત્યારે તેમને સુરક્ષા મળશે તો દેશના વ્યવસ્થાતંત્રમાં તેમને ભરોસો બેસશે. તેમણે ઉમેર્યું હતું કે, ભરોસામાં આ વૃદ્ધિના પરિણામરૂપે વધુને વધુ સહભાગીઓ દેશના વિકાસ માટે કર પ્રણાલી સાથે જોડાવા માટે આગળ આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કરવેરામાં ઘટાડો અને પ્રક્રિયામાં સરળીકરણની સાથે સાથે, પ્રામાણિક કરદાતાઓના ગૌરવ પર ધ્યાન આપવામાં આવ્યું તે સૌથી મોટો સુધારો છે જેના કારણે તેમને મુશ્કેલીઓ સામે સુરક્ષા પૂરી પાડી શકાશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની વિચાર પ્રક્રિયામાં આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી પહેલી વખતમાં સંપૂર્ણપણે ભરોસો ઉભો કરવાની કામગીરી છે. તેના પરિણામરૂપે, આજે દેશમાં દાખલ કરવામાં આવેલા 99.75 ટકા રિટર્ન કોઇપણ પ્રકારના વાંધા વગર સ્વીકારવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની કર વ્યવસ્થામાં આ એક મોટું પરિવર્તન છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે લાંબા સમય સુધી ચાલેલા દાસત્વના કારણે કર દાતા અને કર એકત્ર કરનારાઓ વચ્ચે સંબંધોને શોષિત અને શોષકના સંબંધોમાં રૂપાંતરિત કરી દીધા હતા. ગોસ્વામી તુલસીદાસની પંક્તિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “बरसत हरसत सब लखें, करसत लखे न कोय तुलसी प्रजा सुभाग से, भूप भानु सो होय” જેનો અર્થ છે કે, જ્યારે વાદળ વરસે છે ત્યારે આપણને સૌને લાભ દેખાય છે પરંતુ જ્યારે વાદળ બને છે ત્યારે સૂર્ય પાણી શોષે છે

પરંતુ તેનાથી કોઇને અસુવિધા થતી નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કરવેરો એકત્ર કરતી વખતે શાસન વ્યવસ્થાએ સામાન્ય લોકો માટે અસુવિધા ઉભી ના થાય તે જોવું જોઇએ અને સામે પક્ષે જ્યારે આ નાગરિકો સુધી પહોંચે તો લોકોને પોતાના જીવનમાં તેનો લાભ મળતો હોવાનો અહેસાસ થવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી સરકાર આ દૃશ્ટિકોણ સાથે આગળ વધી રહી છે અને આજે કરદાતા સંપૂર્ણપણે કર પ્રણાલીમાં ભારે પરિવર્તન અને પારદર્શકતા જોઇ રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે હવે કરદાતાને રિફંડ લેવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી અને અમુક અઠવાડિયામાં જ તેમને રિફંડ મળી જાય છે તેથી તેમને આ કર પ્રણાલીમાં પારદર્શકતાનો અહેસાસ થાય છે. જ્યારે એવું દેખાય છે કે, વિભાગે જુના વિવાદો પોતાના દમ પર ઉકેલી નાંખ્યા છે તો પારદર્શકતાનો અહેસાસ થાય છે. જ્યારે તે સ્પષ્ટ અપીલનો આનંદ મેળવે છે ત્યારે તેને પારદર્શકતાનો અહેસાસ થાય છે. જ્યારે તેમને દેખાય કે આવકવેરો સતત ઘટી રહ્યો છે ત્યારે તેમને વધુ પારદર્શકતાનો અહેસાસ થાય છે.

પ્રધાનમંત્રીએ 5 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય કરને આજે નિમ્ન મધ્યમ વર્ગના આપણા દેશના યુવાનોને આપવામાં આવેલા ખૂબ જ મોટા લાભ તરીકે જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં આપવામાં આવેલા આવકવેરાના નવા વિકલ્પમાં કરદાતાનું જીવન વધુ સરળ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિકાસની ગતિ ઝડપી કરવા માટે અને ભારતને વધુ રોકાણ માટે અનુકૂળ રાષ્ટ્ર બનાવવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઐતિહાસિક કાપ મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં વિનિર્માણના મામલે આત્મનિર્ભરતા વધારવા માટે સ્થાનિક વિનિર્માણ કંપનીઓ માટે કરનો નવો દર 15 ટકા નિર્ધારિત કરવામાં આવ્યો છે તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતના મૂડી બજારમાં રોકાણ વધારવા માટે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.

વસ્તુ અને સેવા કર (GST)ની કર મર્યાદાને પણ ઓછી કરી દેવામાં આવી છે અને મોટાભાગની વસ્તુઓ તેમજ સેવાઓના કરના દરમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ITATમાં અપીલની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ અને સર્વોચ્ચ ન્યાયાલયમાં 2 કરોડ રૂપિયા કરવાથી વિવાદોનો બોજ ઓછો કરવામાં આવ્યો છે જેના પરિણામે દેશમાં વ્યવસાયમાં ઘણી સરળતા ઉભી થઇ છે.

પ્રધાનમંત્રીએ બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં પોતાની ખંડપીઠોને અપગ્રેડ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના આ યુગમાં સંપૂર્ણ પ્રણાલીને અપગ્રેડ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખાસ કરીને આપણા ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી દેશના નાગરિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.