Western Times News

Gujarati News

યુવતી અને તેના સાથીએ મોતને ઘાટ ઉતારી લાશને દાટી દીધી

બારડોલી: સુરતના બારડોલીના બાબેન ગામ ખાતેથી ગુમ થયેલી ૨૮ વર્ષીય રશ્મિની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો છે. આ ખેતર યુવતીના વર્તમાન સાથીના પ્રથમ સસરાનું છે. પોલીસ તપાસ પ્રમાણે યુવતી એક યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવઇન સંબંધમાં રહેતી હતી. ગત ૧૫મી તારીખના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદમાં તેણીના સાથીએ જ તેની હત્યા કરી નાખી હતી. જે બાદમાં લાશને એક ખેતરમાં દાટી દીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા (ઉ.વર્ષ ૨૮) છેલ્લા પાંચ વર્ષથી ગામના જ ચિરાગ સુરેશભાઈ પટેલ નામના પરિણીત યુવક સાથે લિવ ઇન સંબંધમાં રહેતી હતી.

રશ્મિ બાબેન ગામના લકઝરીયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. ચિરાગ અને રશ્મિને એક ત્રણ વર્ષનો દીકરો પણ છે. જોકે, રશ્મિ તા. ૧૫ના રોજ અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ અંગે રશ્મિના પિતા જયંતીભાઈ વનમાળી પટેલે પોલીસ ફરિયાદ આપી હતી. જયંતીભાઈ જ્યારે રશ્મિને ફોન કર્યો હતો ત્યારે તેના સાથીએ ફોન ઉપાડીને કહ્યું હતું કે રશ્મિ ઘરે નથી અને ક્યાંક ચાલી ગઈ છે. જે બાદમાં બે દિવસ સુધી પિતાનો રશ્મિ સાથે સંપર્ક થયો ન હતો. જે બાદમાં પિતા તેણીના ઘરે પહોંચ્યા હતા. અહીં રશ્મિનો ત્રણ વર્ષનો દીકરો મળી આવ્યો હતો.

રશ્મિ ન મળતા પિતાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન રશ્મિના પ્રેમીની આકરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ચિરાગ ભાંગી પડ્યો હતો અને તેણે જ રશ્મિની હત્યા કરીને લાશને ખેતરમાં દાટી દીધાનો સ્વીકાર કર્યો હતો. ચિરાગના કહેવા પ્રમાણે સામાન્ય ઝઘડામાં ગુસ્સામાં આવીને તેણી પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદમાં લાશને લઈને પોતાના પ્રથમ સસરાના ખેતરમાં પહોંચ્યો હતો

અને ત્યાં ખાડો ખોદીને દાટી દીધી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રશ્મિ હાલ પાંચ મહિનાની પ્રેગનેન્ટ હતી. આ ઉપરાંત રશ્મિ અને ચિરાગને એક ત્રણ વર્ષનો દીકરો પણ છે. ચિરાગની કબૂલાત બાદ પોલીસે રવિવારે મોડી સાંજે લાશને બહાર કાઢી હતી. આ કેસમાં પોલીસે આડા સંબંધમાં હત્યા થઈ હોવાની શંકાના આધારે પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.