Western Times News

Gujarati News

શાંતિપ્રિય ગુજરાતમાં ક્રાઇમ રેટ ખૂબ ઓછો: પ્રદિપસિંહ

ગાંધીનગર, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કાયદાથી પ્રસ્થાપિત રાજ્યમાં લોકો શાંતિ-સલામતીનો અહેસાસ કરે એ માટે અમે પુરૂષાર્થના સામર્થ્ય થકી આગળ વધી રહ્યા છીએ. નાગરિકોની સલામતી અને સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પુરૂષાર્થના પરિણામે આજે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો જાેવા મળી રહ્યો છે.

આજે ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી – આબકારી, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ-ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં મંત્રી જાડેજાએ તમામ ધારાસભ્યોના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકારતા કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષાને વધુ સંગીન બનાવવા માટે આપે કરેલા સૂચનોનો હકારાત્મક અભિગમ થકી સત્વરે અમલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, કોરોનાના કાળમાં લોકડાઉન દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા સારૂ વિકિટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મીઓએ માનવીય અભિગમ દાખવીને લોકડાઉનના અમલીકરણનું જે કામ ઉપાડી લીધુ હતું તેના પરિણામે પોલીસની પરંપરાગત છબી અલગ રીતે ઉજાગર થઇ છે. લોકડાઉનના આ કાળ દરમ્યાન એન.આર.જી. વિભાગ દ્વારા પણ વિદેશમાં વસતા ૫૫,૦૦૦થી વધુ ગુજરાતીઓને વંદે ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારની મદદથી ગુજરાત પરત લાવવાની શ્રેષ્ઠ કામગીરી કરાઇ છે. એ જ રીતે આંતર રાજ્યના લાખો શ્રમિકોને પણ તેમના માદરે વતન મોકલવાની કામગીરી ખૂબ જ સુંદર રીતે રાજ્ય સરકારે કરી છે. એ જ રીતે રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સક્રિય રીતે સહયોગ આપેલ.

મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં ૨૪ કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જાેગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, હ્લૈંઇ ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા હ્લજીન્ની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.

આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા પોલીસ આવાસ, મહેકમ, નવા પોલીસ સ્ટેશનો, વાહનો, નાર્કોટીક્સના કાયદાની વધુ તીવ્રતાથી અમલવારી વ્યાજખોરોથી ગરીબ પરિવારોને બચાવવા અસામજિક તત્વોની હેરાનગતિ સંદર્ભે પોલીસની કામગીરીની વધુ સઘન બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોને ગૃહ મંત્રીશ્રીએ આવકારીને તેનો અમલ કરવા માટે પણ તત્પરતા દર્શાવી હતી.

બેઠકના પ્રારંભે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે ગૃહ વિભાગની કામગીરીનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારે નાગરિકોની વધુ સલામતી માટે કાયદાઓમાં પણ સુધારા કર્યા છે. સાથે-સાથે વિકસતા જતા યુગમાં ગુનેગારો પણ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેમને નશ્યત કરવા માટે પોલીસ કર્મીઓને પણ પ્રોફેશનલ તાલીમ સહીતની સુવિધાઓ પૂરી પાડી છે.

આ બેઠકમાં સાંસદ પ્રભુ વસાવા, પૂનમબેન માડમ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ડૉ. આશાબેન પટેલ, મહેશકુમાર રાવલ, સુમનબેન ચૌહાણ, શૈલેષ મહેતા, દુષ્યંત પટેલ, અરવિંદ રાણા, સુરેશભાઇ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, અક્ષર પટેલ, લલિત કગથરાએ ઉપસ્થિત રહીને સૂચનો કર્યા હતા. આ પરામર્શ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સહિત ગૃહ વિભાગના અને એન.આર.જી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.