Western Times News

Gujarati News

પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશન આપવા માગણી

પ્રતિકાત્મક

અમદાવાદ: મહામારીના કારણે રાજ્યમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં અભ્યાસના ૨૩૦ દિવસોમાંથી ૧૭૦ દિવસ શાળાઓ ખૂલ્યા વગર પસાર થઈ ચૂક્યા છે. હવે અભ્યાસના માંડ ૬૦ જેટલા દિવસ બાકી રહ્યા છે, તેમાં પણ શાળાઓ ક્યારે ખુલશે તે નક્કી નથી.

તેથી આ સ્થિતિમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં પરીક્ષા લેવી જરૂરી હોવાથી તે અંગેનું આયોજન સરકાર તેમની રીતે કરે તેવું વાલી મંડળે જણાવ્યું છે.

રાજ્યમાં કોરોનાના કહેરના પગલે માર્ચ ૨૦૨૦થી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ સતત વધતા જતા કેસના કારણે જૂનથી શરુ થતા શૈક્ષણિક સત્રથી પણ શાળાઓ શરુ કરી શકાય તેમ ન હોવાથી ઓનલાઈન ક્લાસ શરુ કરવામાં આવ્યા હતા અને હજું પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષમાં કુલ ૨૩૦ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. જેમાં પ્રથમ સત્રમાં ૧૧૩ દિવસ અને બીજા સત્રમાં ૧૧૭ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. જેમાં પ્રથમ સત્રમાં એક પણ દિવસ શાળાઓ ખૂલી ન શકી હોવાથી ૧૧૩ દિવસ ઓનલાઈન ક્લાસમાં ગયા હતા અને બીજા સત્રમાં પણ અત્યારસુધીમાં ૪૫ દિવસનું શૈક્ષણિક કાર્ય પૂરુ થઈ ચૂક્યું છે.

જાન્યુઆરી મહિનાથી ગણતરી કરવામાં આવે તો માંડ ૫૯ દિવસનું જ શૈક્ષણિક કાર્ય બાકી રહેશે. જેમાં જાન્યુઆરીના ૨૪ દિવસ, ફેબ્રુઆરીના ૨૪ દિવસ અને માર્ચના ૧૧ દિવસ બાકી રહે છે. આ દરમિયાન સરકાર દ્વારા સત્ર લંબાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરંતુ પ્રાથમિક શાળાઓ માટે સત્ર લંબાય તેવી શક્યતા નહીવત્‌ હોવાથી તેમના માટે શિક્ષણના બે મહિના બાકી છે. આમ, સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓ બંધ રહી છે અને ઓનલાઈન શિક્ષણ પણ એટલું અસરકારક સાબિત થઈ રહ્યું નથી તેથી વાલી મંડળે પ્રાથમિકના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૩૦ દિવસ શૈક્ષણિક અભ્યાસના દિવસોમાંથી અત્યારસુધીમાં ૧૭૦ જેટલા દિવસો પૂરા થઈ ચૂક્યા છે.

હવે માંડ ૬૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે અત્યારથી જ પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશનની જાહેરાત કરવી જાેઈએ. જેથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસની તૈયારી કરવાની તક મળી શકે. હાલમાં ૬૦ દિવસ બાકી છે ત્યારે હજુ શાળાઓ ક્યારે ખુલશે તે નક્કી નથી. તેથી વહેલી તકે માસ પ્રમોશનની માગ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.