Western Times News

Gujarati News

રાજ્યના શહેરોમાં દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૨ લોકો બેરોજગાર

અમદાવાદ: વર્ષ ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર હતો, જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦ લોકોએ ૩ લોકો બેરોજગાર હતા. હવે તે ૨૦૧૮-૧૯માં વધીને દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૩ થઈ ગયો છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો તેમાં પણ ૨૦૧૧-૧૨માં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૮ લોકો બેરોજગાર હતા, જે હવે ૨૦૧૮-૧૯માં વધીને ૩૨ થઈ ગયા છે.

સીનિયર સરકારી અધિકારીના કહેવા મુજબ, રાજ્ય સરકાર નોકરી મેળાનું આયોજન કરે છે, પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે, જેમાં યુવાઓને ૧ વર્ષની નોકરી બાદ કાઢી મૂકવામાં આવે છે. પ્રાઈવેટ સેક્ટરના યુવાઓની બેરોજદારી ગણવાનું કોઈ મિકેનિઝમ ન હોવાથી આ આંકડા ડેટામાં દર્શાવાતા નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ‘સ્ટેટ વાઈઝ અનએમ્પલોયમેન્ટ રેટ’ ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ પાછલા સાત વર્ષોમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. જાેકે વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ આ બેરોજદારી દર થોડો નીચે આવ્યો છે.

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦માંથી ૫૨ વ્યક્તિ જ્યારે શહેરી વિસ્તારમાં ૪૩ વ્યક્તિ બેરોજગાર હતા. આંકડા દર્શાવે છે કે ગુજરાત ૨૦૧૧-૧૨માં દર ૧૦૦૦ વ્યક્તિએ ૮ બેરોજગારના આંકડા સાથે સૌથી છેલ્લા ૩ રાજ્યોમાંથી એક હતું.

જ્યારે ૨૦૧૮-૧૯માં શહેરી બેરોજગારીમાં દર ૧૦૦૦એ ૩૨ સાથે છેલ્લેથી બીજા ક્રમે છે. રાજ્ય સરકારમાં સીનિયર અધિકારીએ કહ્યું કે, આ સમય દરમિયાન દેશભરમાં બેરોજગારીનો દર વધ્યો છે.

૨૦૧૧-૧૨માં બેરોજગારીનો દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૪ હતો, ૨૦૧૮-૧૯માં વધીને ૭૭ થઈ ગયો. ગુજરાતના શહેરી વિસ્તારમાં પુરુષોમાં બેરોજગારીનો દર ૧૦૦૦ વ્યક્તિએ ૩૪ છે, જ્યારે મહિલાઓમાં ૨૫ છે.

આવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦૦ વ્યક્તિએ ૧૮ મહિલાઓ અને ૩૮ પુરુષો બેરોજગાર છે. ગુજરાતની સરખામણીએ કર્ણાટકમાં શહેરી બેરોજગારી દર ૧૦૦૦ વ્યક્તિએ ૫૨, છે, મહારાષ્ટ્રમાં ૬૪, તમિલનાડુમાં ૬૭, આંધ્ર પ્રદેશમાં ૭૩, હરિયાણામાં ૮૭ અને કેરળમાં ૯૭ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.