છકડો-કાર વચ્ચે અકસ્માત થતા સાસુ અને વહુનું મોત થયુ
રાધનપુર, બનાસકાંઠામાં મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ ભીલડી ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. છકડો રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૧૩ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
કાંકરેજ તાલુકાના ખારીયા- પાટણ ગામનો ઠાકોર પરિવાર ડીસા તાલુકાના વડાવલ ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાંથી છકડો રીક્ષામાં પરત જઈ રહ્યા હતા, તે દરમિયાન ભીલડી પાસે પાછળથી આવી રહેલ કારના ચાલકે છકડો રીક્ષાને જાેરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છકડા રીક્ષા પલટી ખાતા તેમાં બેઠેલા સાસુ-વહુ કચડાતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
જ્યારે અન્ય ૧૩ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે ઠાકોર પરિવાર ને નડેલા અકસ્માતમાં સાસુ વહુ નું મોત નીપજતાં પરિવાર માતમ છવાયો હતો.SSS