પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી શિક્ષકે દાનત બગાડી
ભુજ, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગુરૂની ગરિમા લજવનાર શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે નાના કપાયા ગામે આ બનાવ બન્યો હતો. અહીં રહેતી સગીરાને અદાણી સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષક જય માવજી ઠક્કરે પરીક્ષામાં તેને ઉચું રિઝલ્ટ અપાવવાની લાલચ આપી હતી.
તેમજ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને આ સગીરાને ઘરે બોલાવી જય ઠક્કરે દાનત બગાડી હતી. અને સગીરા સાથે શરીર સબંધ બાંધી જાતિય હુમલો કર્યો હતો. ગત ઓકટોબર અને ડિસેમ્બર માસમાં આ બનાવને અંજામ અપાયો હતો. આરોપી શિક્ષકે સગીરા સાથે બદકામ કરી આ વાત કોઈને કહીશ તો સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી.
જેથી સગીરા ડરી ગઈ અને ઘરે પણ ગુમસુમ રહેતી હતી. બાદમાં સગીરાએ તેની માતાને સાચી હકિકત જણાવતા તેઓ દ્વારા આરોપી સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, આરોપી જય ઠક્કરે સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેની પાસેથી સોનાના દાગીના પણ પડાવ્યા હતા. જેથી મુન્દ્રા પીઆઈ મીતેશ બારોટે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.HS