નર્મદાના એકતાનગરના PSIનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત
નર્મદા, વડાપ્રધાન મોદી દિવાળીના પાવન પર્વના દિવસે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન ઘણાં અધિકારીઓ અને પોલીસ જવાનો દિવાળીના દિવસે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
એવામાં આવા જ એક ફરજ બજાવનાર પોલીસ જવાનના ઘરે દિવાળીના દિવસે માતમ છવાઈ ગયો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન નર્મદાના એકતાનગરના પીએસઆઈ નું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્ટેચ્યુ આૅફ યુનિટી ખાતે એકતા પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં મૂળ નર્મદાના રહેવાસી પીએસઆઈ સનભાઈ વસાવા દેડીયાપાડાના વતની છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવનવાર પીએસઆઈ સનભાઈ વસાવા આ દરમિયાન ફરજ પર હતાં. તેઓ છેલ્લાં બે દિવસથી એકતા પરેડને લઈને સ્ટેચ્યુ આૅફ યુનિટી ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં. ઉજવણી પૂર્ણ થયાં બાદ પીએસઆઈને હાર્ટએટેક આવ્યો હતો.
પીએસઆઈ વસાવાને હાર્ટએટેક આવતાં તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા હતાં. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. દિવાળીનો પાવન પર્વે પીએસઆઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલ, પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.