અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે દિલ્હીમાં PM મોદી સાથે શું ચર્ચા કરી?
(એજન્સી) નવી દિલ્હી, દિલ્હીમાં યોજાઈ રહેલા ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ-૨૦૨૬’ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ પણ સમિટની મુલાકાત લઈને અભિભૂત થઈ રહ્યા છે.
તાજેતરમાં જ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ સમિટની મુલાકાત લીધી હતી, ત્યારે હવે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેમણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી છે, જેનાથી ભારત-યુએઈ વચ્ચે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થયો છે.
વડાપ્રધાન મોદીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત અંગે ટિ્વટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફળદાયી ચર્ચા થઈ. અમે એઆઈ, સુપર કોમ્પ્યુટર્સ, ભારતમાં ડેટા સેન્ટર્સમાં રોકાણ અને તેનાથી પણ આગળ વધીને ભવિષ્યના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વાતચીત કરી.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વડાપ્રધાન મોદી અને યુએઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલી મુલાકાત અંગે માહિતી આપતા કહ્યું કે, બંને નેતાઓની બેઠકમાં ત્રણ મહત્ત્વની બાબતો અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. જયસ્વાલે કહ્યું કે, ‘ભારત-યુએઈ ગાઢ મિત્રો હોવાની સાથે વિશ્વાસપાત્ર ભાગીદાર પણ છે. બંને દેશો આ ત્રણ મહત્ત્વની બાબતો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.
